05 October, 2023 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે પાલક પ્રધાનોની સુધારિત યાદી જાહેર કરી હતી. એમાં પુણે બીજેપીના ચંદ્રકાન્ત પાટીલ પાસેથી લઈને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને સોંપવામાં આવ્યું હતું. ૨૦૧૪થી પુણે શહેર અને જિલ્લામાં બીજેપીની સતત વધી રહેલી તાકાતને રોકવા માટે અજિત પવાર સતત પ્રયાસ કરી રહ્યા છે એમાં તેમને સફળતા મળી છે. પાલક પ્રધાનપદ મળ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથેની અજિત પવારની નારાજગી દૂર થઈ છે કે નહીં એ વિશે અત્યારે કંઈ જાણી નથી શકાયું, પરંતુ બીજેપીએ પુણે છોડવું પડ્યું છે. ૧૨ જિલ્લાના પાલક પ્રધાનની સુધારિત યાદી જાહેર કર્યા બાદ પણ નાશિક અને રાયગડ બાબતે એનસીપી અને એકનાથ શિંદે જૂથ વચ્ચે રસ્સીખેંચ કાયમ રહી છે.
નાયબ મુખ્ય પ્રધાન નારાજ હોવાની ચર્ચા વચ્ચે મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને મળવા ગયા હતા. તેમણે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ સાથે બેઠકો કરી હતી. આ બેઠકમાં અજિત પવારની પ્રધાનમંડળના વિસ્તરણ અને પાલક પ્રધાન બાબતની રસ્સીખેંચ વિશે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દિલ્હી જતાં પહેલાં સંકેત આપ્યો હતો કે બીજેપી રાજ્યમાં મોટો ભાઈ છે એટલે એકનાથ શિંદે જૂથ અને અજિત પવાર જૂથ માટે થોડો ત્યાગ કરવો રહ્યો. ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાલક પ્રધાનોની સુધારિત યાદી જાહેર કરી એમાં બીજેપીના ચંદ્રકાન્ત પાટીલ પાસેથી પુણે લઈને અજિત પવારને આપવામાં આવ્યું હતું. ચંદ્રકાન્ત પાટીલે પુણે ત્યાગવું પડ્યું છે. જોકે તેમને સોલાપુર અને અમરાવતી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કંઈક અંશે અજિત પવાર અને બીજેપીના નેતાઓને સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાને ૧૨ પાલક પ્રધાનોની યાદી જાહેર કરી હતી. જોકે અજિત પવાર અને એકનાથ શિંદે વચ્ચે હજી પણ નાશિક અને રાયગડ જિલ્લાના પાલક પ્રધાનનો મુદ્દો કાયમ રહ્યો છે. પુણેની બીજેપી અને એનસીપી વચ્ચેની રસ્સીખેંચ ખતમ કરવાનો પ્રયાસ રાજ્ય સરકારે લીધો છે, પણ બાકીના ત્રણ જિલ્લા બાબતે હવે શું નિર્ણય લેવામાં આવશે એના પર બધાની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્ય પ્રધાન પાલક પ્રધાન, પ્રધાનમંડળનું વિસ્તરણ અને રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવતા ૧૨ વિધાનસભ્યમાંથી અજિત પવાર જૂથને ૩ જગ્યા મળી શકે છે, પણ અજિત પવારે ૪ બેઠકનો આગ્રહ રાખ્યો છે. આ બાબતે ત્રણેય સત્તાધારી પક્ષના નેતાઓની બેઠક થઈ હતી, પરંતુ એમાં કોઈ નિર્ણય નહોતો થયો. આથી અજિત પવાર નારાજ છે. ગણેશોત્સવમાં તેમણે એકનાથ શિંદેના ઘરે દર્શન કરવાનું ટાળ્યું હતું. મંગળવારે રાજ્યના પ્રધાનમંડળની બેઠક મળી હતી ત્યારે પણ તબિયતનું બહાનું કાઢીને તેમણે દાંડી મારી હતી. જોકે મોડી સાંજે તેઓ એનસીપીના વરિષ્ઠ નેતાઓને મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.