23 October, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નજીબ મુલ્લા, જિતેન્દ્ર આવ્હાડ
થાણેના બિલ્ડર સૂરજ પરમારની આત્મહત્યાના કેસમાં જેલમાં જઈ આવેલા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા જમીલ શેખની હત્યા કરવાનો જેના પર આરોપ છે એ નજીબ મુલ્લાને અજિત પવારે તેમની પાર્ટી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માંથી થાણેની કળવા-મુમ્બ્રા બેઠકમાં શરદ પવાર જૂથના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સામે વિધાનસભાની ઉમેદવારી આપી છે. નજીબ મુલ્લા NCPનો ભૂતપૂર્વ નગરસેવક છે અને તેની આ વિસ્તારમાં સારી પકડ છે એટલે આ વખતની ચૂંટણીમાં જિતેન્દ્ર આવ્હાડની મુશ્કેલી વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે થાણેના બિલ્ડર સૂરજ પરમારે ૨૦૧૫માં આત્મહત્યા કરી હતી ત્યારે તેના ઘરમાંથી મળી આવેલી ડાયરીમાં એ સમયના NCPના નગરસેવક નજીબ મુલ્લાનું પણ નામ હતું એટલે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી MNSના નેતા જમીલ શેખની હત્યા માટે પણ નજીબ મુલ્લાએ સુપારી આપી હોવાનો આરોપ પોલીસની તપાસમાં તેમના પર લાગ્યો હતો.