મારી હયાતીમાં પુત્રને મુખ્ય પ્રધાન બનતાં જોવો છે : અજિત પવારનાં માતા

06 November, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના આ સ્ટેટમેન્ટને લઈને અનેક રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી

ફાઇલ તસવીર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં માતાએ ગઈ કાલે ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું ત્યારે કહ્યું હતું કે ‘હું ૨૭ વર્ષની હતી ત્યારથી મતદાન કરું છું. હવે મારી ઉંમર થઈ છે. મારી આંખો ખુલ્લી છે ત્યાં સુધીમાં અજિત પવારે મુખ્ય પ્રધાન બનવું જોઈએ. આખું બારામતી અમારી સાથે છે.’

તેમના આ સ્ટેટમેન્ટને લઈને અનેક રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને મોટા ભાગ લોકોનું કહેવું હતું કે દરેક માની ઇચ્છા હોય છે કે તેનો દીકરો સર્વોચ્ચ સ્થાને બિરાજે અને એમાં કશું ખોટું પણ નથી.

આ બાબતે સુપ્રિયા સુળેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘કેમ નહીં. કઈ માતા એવું ઇચ્છે કે તેનો દીકરા આગળ ન વધે?’

રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘ઇચ્છા રાખવી એ કંઈ ખોટું નથી, પણ જે કોઈ ઇચ્છા રાખીએ એ પૂરી કરવા માટે ભરપૂર શક્તિ સાથે કામ કરવું પડે છે. મુખ્ય પ્રધાન બન્યા પછી મુખ્ય પ્રધાનનો ખરો અર્થ સમજાય છે. સીએમ તરીકેની દરેક ક્ષણ અને કાર્ય કૉમન મૅન માટેનાં હોય છે.’

આ બાબતે પ્રતિક્રિયા આપતાં રાજ્યના શિક્ષણપ્રધાન દીપક કેસરકરે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનપદની આશા અને અપેક્ષા હોવી એમાં કશું ખોટું નથી. હાલ એકનાથ શિંદે રાજ્યને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અને તેમના નેતૃત્વ હેઠળ જ ચૂંટણીઓ થશે. અજિત પવાર હજી નાના છે. તેમને આવનારા સમયમાં મોકો મળી શકશે.’  

ajit pawar nationalist congress party supriya sule political news indian politics mumbai mumbai news