02 November, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે સત્તાધારી મહાયુતિના પ્રચારનાં પોસ્ટરોમાંથી અજિત પવાર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ખાસ પકડ નથી એટલે આ ભાગના પ્રચારમાં તેમનો ફોટો ન વાપરવામાં આવે એ સમજી શકાય છે, પણ અજિત પવારના ગઢ વેસ્ટર્ન મહારાષ્ટ્ર અને પુણેના પ્રચારમાંથી પણ અજિત પવાર ગાયબ છે. વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ અજિત પવારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સખત વિરોધ કર્યા પછી પણ માનખુર્દ-શિવાજીનગર બેઠકમાં જેમના પર દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હોવાનો આરોપ છે એ નવાબ મલિકને ઉમેદવારી આપી છે. આથી અજિત પવાર પ્રત્યે નારાજગી જોવા મળતાં મહાયુતિનાં પોસ્ટરો અને હોર્ડિંગ્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં નામ અને ચહેરાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.