રાજીનામાનો ડ્રામા અને ફેરવિચારનું આંદોલન શરદ પવારે જ કરાવેલાં

02 December, 2023 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવારે કાકા સામે ખોલ્યો મોરચો અને પહેલી વખત તેમને ખુલ્લા પાડ્યા ઃ સુપ્રિયા સુળે સહિત શરદ પવાર જૂથના સાંસદ સામે પોતાના ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી

શરદ પવાર અને અજિત પવાર


મુંબઈ ઃ આ વર્ષે ત્રીજી મેએ એનસીપીના ચીફ શરદ પવારે તમામ પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે એનસીપી જ નહીં, ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસના નેતાઓ પણ ચોંકી ઊઠ્યા હતા. બધાએ શરદ પવારને ફેરવિચાર કરવાની વિનંતી કરી હતી તો બીજી બાજુ રાજ્યભરમાં રાજીનામું પાછું ખેંચવા માટેનું આંદોલન શરૂ થયું હતું. આથી શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લીધું હતું. આ વિશે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે શરદ પવારે આ ડ્રામા ઊભો કર્યો હતો અને રાજીનામું પાછું ખેંચવાની માગણીનું આંદોલન કરવા માટે આનંદ પરાંજપે અને જિતેન્દ્ર આવ્હાડને કહ્યું હતું. અજિત પવારે આ સાથે જ શરદ પવાર સામે પહેલી વાર મોરચો ખોલીને સુપ્રિયા સુળે સહિતના શરદ પવાર જૂથના ત્રણ સાંસદ સામે પોતાના ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી હતી.

કર્જતમાં એનસીપીના પદાધિકારી સાથેની શિબિરના ગઈ કાલે બીજા અને સમાપન દિવસે અજિત પવારે કહ્યું હતું કે ‘શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું હતું. બાદમાં તેમણે મારા બાદ સુપ્રિયા સુળેને અધ્યક્ષ બનાવવાનું કહ્યું હતું જે અમે માન્ય રાખ્યું હતું. બધું નક્કી થયું હતું. આમ છતાં અમને ગાફેલ રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા જે બરાબર નહોતા. પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપવું જ હતું તો પાછું કેમ લીધું? એટલું જ નહીં રાજીનામું પાછું ખેંચવા માટે આંદોલન કરવા માટે જિતેન્દ્ર આવ્હાડ અને આનંદ પરાંજપેને કહેવામાં આવ્યું.’
અજિત પવારે આગળ કહ્યું હતું કે ‘રાજીનામું પાછું ખેંચવાની સાથે રાજ્ય સરકારમાં સામેલ થવા બાબતે પક્ષના ૧૦-૧૨ વરિષ્ઠ નેતાઓની દેવગિરિ બંગલામાં બેઠક થઈ હતી. કાકાને સીધું કહી શકાય એમ નહોતું એટલે સુપ્રિયાને બોલાવીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું  તેમને કન્વીન્સ કરું છું, શરદ પવારને મનાવવા માટે મને સાત દિવસ આપો. અમે આટલો સમય રોકાયા હતા. એ પછી અનિલ દેશમુખ, જયંત પાટીલ સહિતના નેતાઓની બેઠક થઈ હતી. એમાં સરકારમાં સામેલ થવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને કાકાને મળીને અમે વાત કરી હતી. તેમણે અમારી વાત સાંભળી હતી. તેમણે કહ્યું હતું કે ઠીક છે, જોઈએ શું થઈ શકે છે. પહેલી મેએ તેમણે મને કહ્યું હતું કે સરકારમાં સામેલ થા, હું અધ્યક્ષપદેથી રાજીનામું આપું છું. મંજૂરી આપ્યા બાદ પણ તેમણે રાજીનામાનો ડ્રામા ઊભો કર્યો હતો અને પછી નિર્ણય પાછો ખેંચવા માટેનું આંદોલન પણ કરાવ્યું હતું.’
અજિત પવારે શરદ પવારના ગઢમાં પોતાના ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરતાં પક્ષના પદાધિકારીઓને સંબોધતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીની આચારસંહિતા માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં લાગુ થશે. આથી કામે લાગો. સાતારા, શિરુર, રાયગડ અને બારામતી લોકસભાની ચૂંટણીમાં આપણા ઉમેદવારો ઊભા રાખીશું. આ સિવાય ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદોની બેઠકોમાં પણ બીજેપી અને એકનાથ શિંદે સાથે ચર્ચા કરીને જરૂર પડશે તો આપણા ઉમેદવાર ઊભા રાખીશું.’
ખેડૂતોના નામે ૮૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ?
રાજ્યમાં ખેડૂતોને પાક વીમો આપવાના નામે ૮૦૦૦ કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કર્યો હતો. હિંગોલીના દેવાંમાં ડૂબેલા ખેડૂતોએ પોતાની કિડની, લિવર અને આંખ વેચવાનો નિર્ણય લીધો છે અને સરકારને આ અવયવ ખરીદીને કર્જમાફી કરવાની માગણી કરી છે. આ ખેડૂતોએ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાતચીત કરી હતી એમાં કહ્યું હતું કે ‘દેવાંમાં ડૂબેલા ખેડૂતો તેમની પીડા લઈને મુંબઈ આવ્યા છે ત્યારે પોલીસે તેમની ધરપકડ કરીને આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં રાખ્યા હોવાની માહિતી મળ્યા બાદ તેમને છોડાવીને માતોશ્રીમાં લાવવામાં આવ્યા હતા.’

mumbai news maharashtra news ajit pawar sharad pawar