22 April, 2023 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
“મુખ્યપ્રધાન બનવું કોને ના ગમે. અજિતદાદમાં મુખ્યપ્રધાન બનવાની ક્ષમતા છે.” શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આવું વિધાન કર્યું છે. તેમણે NCPના વરિષ્ઠ નેતા અજિત પવાર (Ajit Pawar)ને શુભેચ્છા પણ પાઠવી છે. સંજય રાઉતે કહ્યું કે, “અજિતદાદા ઘણા વર્ષોથી મંત્રી છે. જો કોઈ નસીબદાર હશે તો તે મુખ્યપ્રધાન બનશે. ઘણા લોકો લાયક ન હોય છતાં મુખ્યપ્રધાન પદ પર બેસે છે.
અમે 2024માં સત્તામાં આવીશું
સૌથી વધુ વખત નાયબ મુખ્યપ્રધાન રહેવાનો રેકૉર્ડ અજિત પવારના નામે છે. સંજય રાઉતે કહ્યું કે, “તેમનામાં મુખ્યપ્રધાન બનવાની ક્ષમતા છે. મહાવિકાસ આઘાડી મજબૂત છે. હવે અમે વિપક્ષમાં છીએ. હાલમાં મુખ્યપ્રધાન પદનો મુદ્દો નથી, પણ અમે 2024માં ફરી સત્તામાં આવીશું, પછી જોઈશું. વજ્રમૂથ સભા ત્રણ પક્ષો દ્વારા મળીને યોજાઈ રહી છે. ત્રણેય પક્ષો નક્કી કરે છે કે બેઠક ક્યાં કરવી, સભામાં કોણ બોલશે, આ ત્રણેય પાર્ટીઓનો સંયુક્ત નિર્ણય છે. આમાં કોઈ વિવાદ નથી.”
આવતી કાલે (23 એપ્રિલ) ઉદ્ધવ ઠાકરે જલગાંવ જિલ્લાના પચોરામાં જાહેર સભા કરશે. આ બેઠકની પૃષ્ઠભૂમિની સમીક્ષા કરવા સાંસદ સંજય રાઉતે જલગાંવ જિલ્લાની મુલાકાત લીધી છે. આજે તેમણે જલગાંવમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. આ સમયે તેમણે શિવસેનાના શિંદે જૂથની પણ ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, “જલગાંવ અમારું છે, શિવસેનાનું છે. ઉદ્ધવ ઠાકરે આવતી કાલે બપોરે જલગાંવ પહોંચશે. ત્યાંથી તેઓ પચોરા જશે.” રાઉતે આવતી કાલની બેઠક મોટી હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અજિત પવારે કહ્યું કે, “બેઠકની સંપૂર્ણ તૈયારી છે.”
સાંજે રાઉતે ઉમેર્યું હતું કે, “અમારી પ્રેસ કોન્ફરન્સથી વિરોધીઓ ડરે છે અને આક્રંદ કરે છે. અમે જે સત્ય કહી રહ્યા છીએ તે સાંભળવાની અને સહન કરવાની તમારામાં હિંમત નથી. અમે જંગલમાં મુક્તપણે ફરતા વાઘ જેવા છીએ. તમે બધા ગુલામ છો.”
આ પણં વાંચો: અજિત પવારે મુંબઈમાં NCPના સંમેલનમાં હાજર ન રહ્યા, પુણેના કાર્યક્રમમાં આપી હાજરી
રાઉતે કહ્યું કે, “અમે સંઘર્ષ કરીશું. કેટલાક જૂઠું બોલીને સત્તા મેળવે છે. પાર્ટી કોની છે તે ધારાસભ્યની સંખ્યાના આધારે નક્કી થાય તે ખોટું છે. શિવસેનાએ સામાન્ય લોકોને પ્રધાન અને ધારાસભ્ય બનાવ્યા છે. શિવસેનાની તાકાત હજુ પણ છે. જે લોકોએ બળવો કર્યો છે તેમને જનતા મત દ્વારા જવાબ આપશે.”