પહેલી મીટિંગમાં ફાઇનૅન્સ મિનિસ્ટરે આપ્યો નવી આવક ઊભી કરવાનો આદેશ

25 December, 2024 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિવાય અજિત પવારે કરપ્રણાલીમાં સુધારો કરીને એને સુવ્યવસ્થિત કઈ રીતે કરી શકાય એના પર ધ્યાન આપવા અને ટૅક્સની ચોરી કરનારાઓ સામે કડક હાથે કામ કરવા પણ અધિકારીઓને કહ્યું

અજિત પવાર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ફાઇનૅન્સ તથા એક્સાઇઝ મિનિસ્ટર અજિત પવારે ચાર્જ સંભાળ્યા બાદ ગઈ કાલે અધિકારીઓ સાથે પહેલી મીટિંગ કરી હતી, જેમાં તેમણે તમામ અધિકારીઓને ચોખ્ખા શબ્દોમાં નવી આવક કઈ રીતે ઊભી કરી શકાય અને અત્યારે ટૅક્સ ક્લેક્ટ કરવાની જે પ્રણાલી છે એમાં સુધારો કરીને એને સુવ્યવસ્થિત કઈ રીતે કરી શકાય એના પર કામ કરવા જણાવ્યું હતું.

અત્યારે વિવિધ કલ્યાણકારી યોજનાઓને લીધે સરકારની તિજોરી પર જબરદસ્ત પ્રેશર હોવાથી પૈસા જ નહીં હોય તો કલ્યાણકારી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો કરવા માટે પૈસા ક્યાંથી લાવવા એની ચિંતા સરકારને સતાવી રહી છે. આ જ કારણસર તેમણે અધિકારીઓને આવો આદેશ આપીને જેમ બને એક જલદી રિઝલ્ટ આપવા કહ્યું છે.

અજિત પવારે ટૅક્સની ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ અધિકારીઓને આદેશ આપ્યો હતો. મીટિંગમાં રાજ્યની આવક વધારવા ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ, ખેતીનો વિકાસ અને વધુમાં વધુ લોકોને નોકરી કઈ રીતે મળી શકે એના પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્યની તિજોરી પર અત્યારે નવ લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

ajit pawar maharashtra maharashtra news political news mumbai mumbai news news