પુણેના ચાકણમાં વરસાદ શરૂ થયો તો પણ અજિત પવારે ભાષણ ચાલુ રાખ્યું

12 May, 2024 11:27 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

અજિત પવારે તેમનું ભાષણ ચાલુ રાખતાં કહ્યું હતું કે ‘આપણે ખેડૂતપુત્રો છીએ એટલે વરસાદની જરૂર છે`

અજીત પવાર

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં પુણે બેઠકમાં સોમવારે મતદાન થવાનું છે ત્યારે ગઈ કાલે પ્રચારના છેલ્લા દિવસે પુણેના ચાકણ વિસ્તારમાં મહાયુતિના ઉમેદવાર શિવાજીરાવ આઢળરાવ પાટીલ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ભાષણ કરી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદને લીધે મંચ પર હાજર લોકો આસપાસ દોડી ગયા હતા. જોકે અજિત પવારે તેમનું ભાષણ ચાલુ રાખતાં કહ્યું હતું કે ‘આપણે ખેડૂતપુત્રો છીએ એટલે વરસાદની જરૂર છે. વરસાદ થયા બાદ જ વાવણી થાય. આથી વરસતા વરસાદમાં સભા લેવા જેવો બીજો કોઈ આનંદ નથી.૨૦૧૯માં અમે ડૉ. અમોલ કોલ્હેને ટિકિટ આપીને ભૂલ કરી હતી. મારી ભૂલની ભરપાઈ આ વખતે કરવાની છે.’

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં સાતારા લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે શરદ પવારની જાહેરસભા ચાલતી હતી ત્યારે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો તો પણ શરદ પવારે ભાષણ આપવાનું ચાલુ રાખ્યું હતું. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉદયનરાજે ભોસલેનો શરદ પવારના ઉમેદવાર શશિકાંત શિંદે સામે પરાજય થયો હતો. શરદ પવારનું એ વરસાદમાં ભીંજાઈને કરેલું ભાષણ ખૂબ ગાજ્યું હતું.

mumbai news mumbai ajit pawar pune Lok Sabha Election 2024