08 May, 2023 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
એનસીપી ચીફ શરદ પવારે પક્ષના અધ્યક્ષપદેથી આપેલું રાજીનામું પાછું ખેંચી લીધા બાદ તેમના ભત્રીજા અને વિરોધી પક્ષ નેતા અજિત પવાર રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. આથી તેઓ નારાજ હોવાની અટકળો લગાવાઈ હતી. જોકે અજિત પવારે ગઈ કાલે દેખા દીધી હતી. તેઓ ક્યાં હતા અને શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું હોવાની જાહેરાત કરી હતી ત્યારે કેમ નહોતા વગેરે સવાલના જવાબ આપવાની સાથે કહ્યું હતું કે એનસીપીમાં કોઈ અસ્વસ્થતા નથી અને મહાવિકાસ આઘાડી કાયમ રહે એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રાજ્યના વિરોધી પક્ષ નેતા અજિત પવાર બે દિવસ ગાયબ રહ્યા બાદ ગઈ કાલે બારામતીમાં જાહેરમાં આવ્યા હતા. પત્રકારોએ તેઓ શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું હતું ત્યારની પ્રેસ-કૉન્ફરન્સમાં કેમ નહોતા, નારાજ છો એવા પૂછેલા સવાલના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે ‘શરદ પવારના કહેવાથી જ હું દૂર રહ્યો હતો. પવારસાહેબ અને પ્રફુલ્લ પટેલે જ રાજીનામા બાબતે ખુલાસો કર્યો હતો. જયંત પાટીલ પ્રદેશાધ્યક્ષ છે એટલે તેમને પણ હાજર રહેવાનું કહ્યું હતું એટલે તેઓ હતા. બાકી કોર કમિટીમાં મારા સહિત ૨૫ નેતાઓ છે. આટલા બધા લોકોની જરૂર નહોતી એટલે અમે પત્રકાર-પરિષદ વખતે નહોતા. આથી હું તેમના નિર્ણયથી નારાજ છું એટલે જતો રહ્યો હતો એમ કહેવું યોગ્ય નથી.’
મહાવિકાસ આઘાડી કાયમ રહેવા વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી અગાઉની જેમ જ કાયમ છે અને ભવિષ્યમાં પણ એ ટકી રહે એ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે.’
મિમિક્રી સિવાય રાજ ઠાકરેને આવડે છે શું?
શરદ પવારે પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે અજિત પવારે સુપ્રિયા સુળે સહિત પક્ષના કાર્યકરોને ચૂપ રહેવા કહ્યું હતું. જાણે તેઓ જ હવે પક્ષપ્રમુખ બની ગયા હોય એવું વર્તન કરતા હતા એ જોઈને શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું હોવાનું રાજ ઠાકરેએ કહ્યું હતું. રાજ ઠાકરેની ટીકાનો જવાબ આપતાં અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે રાજ ઠાકરેને મિમિક્રી કરવા સિવાય આવડે છે શું? તેમને મિમિક્રી કરવાનો અધિકાર છે, પણ જનતાએ તેમને ક્યારનોય જાકારો આપી દીધો છે. એમએનએસની સ્થાપના બાદ ૧૪ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. બાદની ચૂંટણીમાં માત્ર એક વિધાનસભ્ય છે. તેમને પોતાના પક્ષને વધારવાને બદલે મારી મિમિક્રી કરવી કે કાર્ટૂન બનાવવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે.’
રાજ્યના રાજકારણમાં ફરી ધરતીકંપ આવશે
રાજ્યના રાજકારણમાં ફરી ધરતીકંપ આવવાનો દાવો બીજેપીના વિધાનસભ્ય નિતેશ રાણેએ ગઈ કાલે કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘૧૦ જૂન પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત એનસીપીમાં જોડાશે. અજિત પવારને એનસીપીમાંથી કાઢવાની શરતે સંજય રાઉતને એનસીપીમાં પ્રવેશ આપવામાં આવશે. શરદ પવારે પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે સંજય રાઉતે અજિત પવારની વિરુદ્ધમાં બોલવાનું શરૂ કર્યું છે. તેઓ સતત અજિત પવારની ટીકા કરી રહ્યા છે. અજિત પવાર એનસીપી છોડે કે તરત જ સંજય રાઉત એનસીપીમાં પ્રવેશ કરશે એવું તેમના વિધાન પરથી લાગી રહ્યું છે.’
ઉદ્ધવ ઠાકરે કલાનગર બંધ કરી બતાવે
બારસુમાં રિફાઇનરી બનાવવા માટે સરકાર જોહુકમી કરશે તો મહારાષ્ટ્રને ભડકે બાળવાની ચીમકી ઉદ્ધવ ઠાકરેએ આપી છે. આ વિશે બીજેપીના વિધાનસભ્ય નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે રાજ્યને સળગાવવાની વાત જવા દો, ઉદ્ધવ ઠાકરે તેમની તાકાત પર મુંબઈ જ નહીં તેઓ જ્યાં રહે છે એ કલાનગર બંધ કરીને દેખાડે તો હું માનું. હાથમાંથી સત્તા ગઈ છે એટલે તેઓ હવે લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.