શુભેચ્છા-મુલાકાતની પાછળ શું છે સસ્પેન્સ?

13 December, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવાર પત્ની, પુત્ર અને પાર્ટીના સિનિયર નેતાઓ સાથે શરદ પવારને જન્મદિનની શુભેચ્છા આપવા પહોંચી જતાં દિલ્હીના ઠંડા વાતાવરણમાં અટકળોનું બજાર ગરમ

ગઈ કાલે દિલ્હીમાં કેક કાપીને વર્ષગાંઠ ઊજવતા શરદ પવાર.

આ પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે, પણ રાજકારણને જોનારાઓનું કહેવું છે કે કાકા-ભત્રીજા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. જોકે સિનિયર પવારે આ મુલાકાત વિશે અત્યારે તો કંઈ પણ કહેવાનું ટાળ્યું છે: ગૃહપ્રધાન અમિત શાહે પણ ફોન કરીને મરાઠા નેતાને બર્થ-ડે વિશ કર્યો

ગઈ કાલે ૮૪ વર્ષના થયેલા શરદ પવારના દિલ્હીના ઘરે તેમને જન્મદિનની શુભેચ્છા આપવા માટે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અજિત પવાર, તેમનાં પત્ની અને રાજ્યસભાનાં સંસદસભ્ય સુનેત્રા પવાર, પુત્ર પાર્થ પવાર, પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળ ગયાં હતાં.

તેમને ત્યાં જોઈને સૌથી વધારે ઍક્શન મોડમાં મીડિયા આવી ગયું હતું. કાકા-ભત્રીજા છૂટા પડ્યા બાદ ગયા વર્ષે શરદ પવારના જન્મદિને આમાંથી એક પણ નેતા શુભેચ્છા આપવા ગયા ન હોવાથી જાતજાતની અટકળો શરૂ થઈ ગઈ છે.

અડધો કલાક ચાલેલી આ શુભેચ્છા-મુલાકાત વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘આજે પવારસાહેબ અને આવતી કાલે (એટલે કે આજે) કાકીનો જન્મદિવસ હોવાથી હું તેમનાં દર્શન કરવા આવ્યો છું. ચા-પાણી કર્યા બાદ અમે અહીંની-ત્યાંની વાતો કરી હતી. લોકસભામાં શું ચાલી રહ્યું છે, રાજ્યસભા કેવી ચાલે છે, ગઈ કાલે પરભણીમાં શું થયું, રાજ્ય પ્રધાનમંડળનો વિસ્તાર ક્યારે થશે, મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર ક્યારથી છે એવી બધી જનરલ વાતો કરી હતી.’

તેમની વચ્ચે આટલી પૉલિટિકલ ચર્ચા થઈ હતી, પણ આ શુભેચ્છા-મુલાકાત હોવાનું અજિત પવાર અને તેમની સાથે આવેલા નેતાઓએ કહ્યું છે. ત્યાર બાદ એક પત્રકારે તેમને છૂટા પડ્યા બાદ શરદ પવારને મળવા આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે રાજકારણથી આગળ કૌટુંબિક સંબંધ હોય છે.

એ સમયે ત્યાં હાજર યુગેન્દ્ર પવારે આ મુલાકાતને વધારે મહત્ત્વ આપવાને બદલે કહ્યું કે ૧૦૦ ટકા આ એક કૌટુંબિક મુલાકાત હતી. વિધાનસભાની ચૂંટણીમાં યુગેન્દ્ર પવાર બારામતીથી અજિત પવાર સામે ચૂંટણી લડ્યા હતા. તેઓ પણ કાકા-ભત્રીજા છે.

આ જ વાતને આગળ લઈ જતાં કર્જત-જામખેડના વિધાનસભ્ય અને પવાર પરિવારના સભ્ય રોહિત પવારે પણ અજિત પવારની મુલાકાત વિશે કહ્યું હતું કે કૌટુંબિક સંબંધ ટકાવી રાખવાની જવાબદારી દાદાએ નિભાવી એ સારી વાત કહેવાય.

વર્ષોથી આખો પવાર પરિવાર દિવાળીના પાડવા (નવું વર્ષ)એ લંચ માટે ભેગો થતો હતો, પણ આ વખતે આ ભોજન-મિલન નહોતું રાખવામાં આવ્યું. એવામાં ગઈ કાલે અજિત પવાર જન્મદિનની શુભેચ્છા આપવા શરદ પવારના ઘરે પહોંચી જતાં લોકો એને શુભેચ્છા-મુલાકાત તરીકે નથી જોઈ રહ્યા. બધાને લાગી રહ્યું છે કે કાકા-ભત્રીજા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે ગઈ કાલે બપોરે ગૃહપ્રધાન અમિત શાહે પણ ફોન કરીને શરદ પવારને જન્મદિનની શુભેચ્છા આપી હતી. 

સુપ્રિયા સુળેએ કર્યું બધાનું ઉષ્માભર્યું સ્વાગત
ગઈ કાલની મુલાકાત વખતની સૌથી મહત્ત્વની વાત હતી અજિત પવાર અને અન્ય નેતાઓનું શરદ પવારના ઘરે વેલકમ. સુપ્રિયા સુળે તેમને રિસીવ કરવા આવ્યાં હતાં. અજિત પવારને વેલકમ કર્યા બાદ સુપ્રિયા સુળે ભાભી સુનેત્રા પવાર અને ભત્રીજા પાર્થને ભેટ્યાં હતાં એટલું જ નહીં, પ્રફુલ પટેલનું પણ હાથ પકડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જોકે તેઓ જેવાં ઘરની અંદર ગયાં કે તરત જ સુપ્રિયા સુળેના પતિ સદાનંદ સુળે અને પુત્રી રેવતી ઘરની બહાર નીકળી ગયાં હોવાનું કહેવાય છે.

પ્રધાનમંડળનો વિસ્તાર શનિવારે થશે?
રાજ્ય પ્રધાનમંડળનો વિસ્તાર કઈ રીતે અને ક્યારે થશે એને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ફોડ પાડીને કંઈ કહેવામાં નથી આવી રહ્યું, પણ ગઈ કાલે દિલ્હીમાં અજિત પવારે પત્રકારોને કહ્યું હતું કે મોટા ભાગે ૧૪ ડિસેમ્બરે પ્રધાનમંડળનું વિસ્તરણ થઈ જશે. જોકે ત્યાર બાદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પ્રધાનમંડળના વિસ્તારની તારીખ હજી નક્કી નથી થઈ. એવું પણ કહેવાય છે કે BJPના હાઇકમાન્ડે પાર્ટીના કયા નેતા મિનિસ્ટર બનશે એનું લિસ્ટ હજી ફાઇનલ નથી કર્યું. 

mumbai news mumbai sharad pawar ajit pawar nationalist congress party political news maharashtra political crisis happy birthday supriya sule