23 December, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરાઈ બીચ પર ગઈ કાલે સવારે ધુમ્મસને લીધે દરિયામાં રહેલી બોટ દેખાતી નહોતી (તસવીરઃ નિમેશ દવે)
શનિવારે શહેરની હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ ગઈ કાલે પણ એમાં ખાસ કંઈ સુધારો જોવા નહોતો મળ્યો. હવાની ગુણવત્તા શહેરના અમુક વિસ્તારમાં તો ‘ખરાબ’ સ્તર સુધી પહોંચી ગઈ હતી. એની સાથે ગઈ કાલે સવારના સમયે ધુમ્મસનું વાતાવરણ થઈ જતાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવાથી આ પરિસ્થિતિમાંથી છૂટકારો નહીં મળી શકે એવું જાણકારોનું કહેવું છે.
ગઈ કાલે શહેરના ઍર મૉનિટરિંગ સ્ટેશનમાં અમુક જગ્યાએ ખરાબ તો બીજા અમુક વિસ્તારોમાં થોડી ખરાબ હવાની ગુણવત્તા નોંધવામાં આવી હતી. જોકે આખા મુંબઈમાં સૌથી ખરાબ હવા ૨૬૮ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) સાથે બોરીવલી-ઈસ્ટ અને કોલાબાની હતી. ત્યાર બાદ મલાડ-વેસ્ટમાં ૨૬૨, માઝગાવમાં ૨૪૪, કાંદિવલી-વેસ્ટમાં ૨૩૩ અને દેવનારમાં ૨૦૮ AQI રજિસ્ટર થયો હતો.
શહેરમાં હવાની ગુણવત્તા બગડી રહી હોવાથી શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટ પણ સત્તાવાળાઓ પર વરસી પડી હતી. ઍર-પૉલ્યુશનને કાબૂમાં રાખવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ ગઈ હોવાથી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે પ્રદૂષણમુક્ત વાતાવરણ એ બંધારણમાં નાગરિકોને આપવામાં આવેલો હક છે. સત્તાવાળાઓની બેદરકારીને લીધે નિર્દોષ નાગરિકો આ રીતે ઍર-પૉલ્યુશનનો ભોગ બની રહ્યા છે અને આ લાચારીને લીધે હેરાન પણ થઈ રહ્યા છે.’
કોર્ટે ૨૦૨૩માં સામે ચાલીને શહેર અને રાજ્યમાં રહેલી ખરાબ ગુણવત્તાની હવાનો મુદ્દો હાથમાં લીધો હતો. જોકે સુનાવણી દરમ્યાન ન્યાયમૂર્તિઓએ કહ્યું હતું કે સત્તાવાળાઓએ આ બાબતે હજી સુધી કોઈ પગલાં લીધાં ન હોવાથી અમને બહુ દુઃખ થઈ રહ્યું છે.
વેધશાળાએ આજથી ફરી એક વાર મુંબઈમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. એનું કહેવું છે કે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવી રહેલા ઠંડા પવનને લીધે ઠંડી માણવા મળશે એમાં પણ બોરીવલીથી અંધેરી અને મુલુન્ડમાં સૌથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળશે.
કેવા AQIની કેવી અસર?
૦-૫૦
સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦
સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦
થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦
ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦
બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર
સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.