13 March, 2023 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કોરોના મહામારી બાદ મુંબઈનું વાતાવરણ દિલ્હી કરતાં પણ ખરાબ થઈ ગયું છે. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સતત સામાન્ય કરતાં નબળો આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને મુંબઈ બીએમસીના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલસિંહ ચહલે હવામાં ફેલાઈ રહેલા પ્રદૂષણની તપાસ કરવા માટે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. સંજીવ કુમારની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની કમિટી બનાવી છે અને આ કમિટીને સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે એટલું જ નહીં, પહેલી એપ્રિલથી પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક હાથે કામ લેવાના નિર્દેશ પણ કમિટીને આપ્યા છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી હવામાં ફેલાઈ રહેલા પ્રદૂષણની માત્રા સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહી છે. તળ મુંબઈ અને પરા વિસ્તારોમાં ધૂળના રજકણો પવનની સાથે આસપાસમાં ફેલાઈ રહ્યા છે. આ ધૂળ બાંધકામની સાઇટ અને ડેવલપમેન્ટના ચાલી રહેલાં વિવિધ કામોને લીધે ઊડી રહી હોવાનું જણાઈ આવ્યું છે. આથી મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલે હવામાં ઊડતી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમી પરા) ડૉ. સંજીવ કુમારની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. આ કમિટી સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરશે અને એ રિપોર્ટને આધારે ૧ એપ્રિલ, ૨૦૨૩થી મુંબઈમાં હવામાં પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કડક કાર્યવાહીમાં નિયમનો ભંગ કરનારાઓનું બાંધકામ બંધ પણ થઈ શકશે.
મુંબઈમાં હવામાં ગંભીર પ્રદૂષણ ફેલાવવા બાબતે કમિશનર ઇકબાલસિંહ ચહલે ગઈ કાલે એક મહત્ત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બીએમસીના આશિષ શર્મા, પી. વેલારાસુ, ડૉ. સંજીવ કુમાર, અજિત કુંભાર, મિલિન સાવંત, ચંદ્રશેખર ચોરે, રણજિત ઢાકણે, સંજોગ કબ્રે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં હવામાં ફેલાઈ રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ઍક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. મુંબઈમાં અત્યારે મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટનાં ચાલી રહેલાં કામ અને પવનની ગતિમાં થયેલો વધારો પ્રદૂષણ માટે જવાબદાર હોવાનું જણાયું છે. આ સિવાય મુંબઈમાં અત્યારે પાંચ હજાર બાંધકામની સાઇટ ચાલી રહી છે. હવાની ગતિ કુદરતી છે એટલે એ રોકી ન શકાય, પણ બાંધકામની સાઇટ પર થતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસ તો કરી જ શકાય છે.