ઍર ઇન્ડિયાની પાઇલટે વિડિયોકૉલ કરીને બૉયફ્રેન્ડને કહ્યું હતું... હું આત્મહત્યા કરી રહી છું

30 November, 2024 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્યાર બાદ આદિત્ય પંડિતે સૃષ્ટિ તુલીને ફોન કર્યા હતા, પણ તેણે રિસીવ નહોતા કર્યા : બન્ને વચ્ચે થયેલી વાતચીત આરોપીના ફોનમાંથી ડિલીટ થઈ ગઈ હોવાથી પોલીસે મોબાઇલ ફૉરેન્સિક એક્સપર્ટને મોકલાવ્યો : ઘટનાની રાત્રે બન્ને વચ્ચે ફોન પર ૧૧ વખત વાતચીત થઈ હતી

ઍર ઇન્ડિયાની ૨૫ વર્ષની પાઇલટ સૃષ્ટિ તુલી, આદિત્ય પંડિત

ઍર ઇન્ડિયાની પાઇલટ સૃષ્ટિ તુલીએ આત્મહત્યા કરવા પહેલાં તેના બૉયફ્રેન્ડ આદિત્ય પંડિતને વિડિયોકૉલ કરીને પોતે અંતિમ પગલું ભરવા જઈ રહી હોવાનું કહ્યું હતું. આ ધડાકો પોલીસની તપાસમાં થયો છે. આ સિવાય મુંબઈ પોલીસના કહેવા મુજબ ૨૫ નવેમ્બરની રાતે પોતાની ડ્યુટી પૂરી કરીને સૃષ્ટિ મરોલમાં જ્યાં ભાડેથી રહે છે ત્યાં આદિત્ય સાથે ગઈ હતી. ત્યાં બન્ને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. એવું કહેવાય છે કે સૃષ્ટિએ આદિત્યને તેની સાથે થોડા દિવસ રહેવાનું કહ્યું હતું, પણ આદિત્યએ ના પાડી દીધી હતી અને તે દિલ્હી માટે નીકળી ગયો હતો. આ ઝઘડા વખતે પણ સૃષ્ટિએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી, પણ આદિત્યએ પોતાનું માઇન્ડ ચેન્જ નહોતું કર્યું.

પોલીસે અત્યારે આદિત્યની આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર ધરપકડ કરી છે. જોકે તેણે પોતાના મોબાઇલમાંથી સૃષ્ટિ સાથેની અમુક ચૅટ ડિલીટ કરી નાખી છે. પોલીસે આદિત્યનો મોબાઇલ ફૉરેન્સિક એક્સપર્ટને આ મેસેજ રિટ્રીવ કરવા મોકલી આપ્યો છે. પોલીસના કહેવા મુજબ સૃષ્ટિએ સુસાઇડ કર્યું એ પહેલાં તેમની વચ્ચે ૧૧ વખત વાત થઈ હતી અને સૃષ્ટિના ફોનમાં ઘણા મિસ્ડ-કૉલ પણ હતા.

આદિત્યએ પોલીસની સામે એવો દાવો કર્યો છે કે વિડિયોકૉલ બાદ તેણે સૃષ્ટિને ઘણા કૉલ કર્યા હતા અંતિમ પગલું ન ભરવાનું કહેવા માટે, પણ તેણે ફોન રિસીવ નહોતા કર્યા. જોકે તે સૃષ્ટિના ઘરે પાછો પહોંચ્યો ત્યારે ઘર લૉક હોવાથી ચાવીવાળાને બોલાવીને દરવાજો ખોલવો પડ્યો હતો. ત્યારે તેની સાથે એ જ બિ‌લ્ડિંગમાં રહેતી સૃષ્ટિની પાઇલટ ફ્રેન્ડ પણ હતી. દરવાજો ખોલવાની સાથે જ સૃષ્ટિ લટકેલી હાલતમાં મળી આવી હતી. જોકે પોલીસને ત્યાંથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી. 

સૃષ્ટિના પરિવારનો આરોપ શું છે?
સૃષ્ટિના કાકા વિવેક તુલીનું કહેવું છે કે તેમની દીકરીએ આત્મહત્યા નથી કરી, તેનું ઠંડે કલેજે પૂર્ણ પ્લાનિંગ સાથે મર્ડર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘આ ઘટના બની એની પંદર મિનિટ પહેલાં સૃષ્ટિએ તેની મમ્મી અને કાકી સાથે વાત કરી હતી. ત્યારે તે એકદમ ખુશ હતી. ત્યાર બાદ એવું શું થયું કે પંદર મિનિટમાં તેણે જીવ આપી દેવો પડ્યો? સૃષ્ટિ ખુશમિજાજ અને બોલ્ડ છોકરી હતી. એક કમર્શિયલ પાઇલટ તરીકે તેને માનસિક તાણને કઈ રીતે હૅન્ડલ કરવી એની ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી. તે મેન્ટલી બહુ જ સ્ટ્રૉન્ગ હતી. મને નથી લાગતું કે તેણે આત્મહત્યા કરી છે.’ સૃષ્ટિના પરિવારજનો દ્વારા આદિત્ય પર તેને નૉન-વેજ ન ખાવા દેવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય આદિત્ય જાહેરમાં સૃષ્ટિને એલફેલ બોલતો હોવાનો પણ ફૅમિલી મેમ્બરોએ આક્ષેપ લગાવ્યો છે.

mumbai news mumbai air india india marol suicide mumbai crime news