28 November, 2024 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયાની ૨૫ વર્ષની પાઇલટ સૃષ્ટિ તુલી, આદિત્ય પંડિત
ઍર ઇન્ડિયાની ૨૫ વર્ષની પાઇલટ સૃષ્ટિ તુલીએ સોમવારે અંધેરીમાં કરેલી આત્મહત્યાના કેસમાં મંગળવારે સાંજે પવઈ પોલીસે તેના પ્રેમી આદિત્ય પંડિતની ધરપકડ કરી હતી. સૃષ્ટિને માનસિક ત્રાસ આપવાની સાથે તેને માંસાહારી ખોરાક ખાવાથી પણ આદિત્યએ રોકીને જાહેરમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની સૃષ્ટિનો ફોન ફૉરેન્સિક તપાસમાં મોકલીને તેના પરિવારના સભ્યો, નજીકના મિત્રો, સહકર્મીઓ અને રૂમમેટ્સનાં સ્ટેટમેન્ટ્સ અમે રેકૉર્ડ કરી રહ્યા છીએ એમ જણાવતાં પવઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૃષ્ટિ ગોરખપુરની હતી, પણ પાઇલટની નોકરી હોવાથી તે મુંબઈમાં હોય ત્યારે રહેવા માટે તેણે અંધેરીમાં એક ફ્લૅટ ભાડે રાખ્યો
હતો. એ જ ફ્લૅટમાં સોમવારે સવારે સૃષ્ટિ બેભાન હાલતમાં તેના મિત્રોને મળી આવી હતી. તાત્કાલિક તેને સેવન હિલ્સ હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડતાં હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી. વધુ તપાસ કરવામાં આવતાં તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ તેના પરિવારના મેમ્બરોને કરવામાં આવતાં તેમણે સૃષ્ટિની આત્મહત્યા પાછળ દિલ્હીના ૨૭ વર્ષના આદિત્ય પંડિતની સંડોવણી હોવાની માહિતી આપતાં અમે તેની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’