15 March, 2023 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં અભદ્ર વર્તન અને ધૂમ્રપાન કરનારા એક પૅસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ તેણે જામીન માટે ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો ઇનકાર કરતાં અહીંની અદાલતે તેને જેલભેગો કર્યો હતો. પૅસેન્જરે ઑનલાઇન સર્ચનો ઉલ્લેખ કરીને એવો દાવો કર્યો હતો કે આઇપીસીની સેક્શન ૩૩૬ હેઠળ ચૂકવવા પાત્ર દંડ ૨૫૦ રૂપિયા છે.
કોર્ટે આરોપી રત્નાકર દ્વિવેદીના રોકડ જામીન મંજૂર કર્યા છે, પરંતુ તેણે રકમ ભરવાનો ઇનકાર કર્યો હતો અને સોમવારે કોર્ટને કહ્યું હતું કે તે જેલમાં જવા તૈયાર છે.રત્નાકર દ્વિવેદી ૧૦ માર્ચે ઍર ઇન્ડિયાની લંડન-મુંબઈ ફ્લાઇટના શૌચાલયમાં કથિત રીતે ધૂમ્રપાન અને અભદ્ર વર્તન કરતાં પકડાયો હતો. તેની સામે આઇપીસીની કલમ ૩૩૬ (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવાનું કાર્ય) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપીએ કોર્ટને કહ્યું કે, તેણે ઑનલાઇન વાંચ્યું હતું કે આઇપીસીની કલમ ૩૩૬ હેઠળ ચૂકવવાપાત્ર દંડ ૨૫૦ રૂપિયા છે જે તે ભરવા તૈયાર છે, પરંતુ જામીનની રકમ તે નહીં ભરે. એને પગલે સોમવારે અંધેરીના મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટે તેને જેલમાં મોકલી આપ્યો હતો.
ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વારંવાર ચેતવણીઓ આપવા છતાં એક પૅસેન્જર ફ્લાઇટના બાથરૂમમાં ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો અને તેણે અયોગ્ય અને આક્રમક વર્તન કર્યું હતું. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ વિમાનમાં અન્ય મુસાફરોને પણ ખલેલ પહોંચાડી હતી અને તેમના જીવ જોખમમાં મૂક્યા હતા; એટલું જ નહીં, શાંત રહેવા માટે પાઇલટની મૌખિક અને લેખિત સૂચનાઓનો અનાદર કર્યો હતો.