04 May, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમજાન ચૌધરી
લોકસભાની મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઍડ્વોકેટ ઉજ્જ્વલ નિકમ અને કૉન્ગ્રેસનાં વર્ષા ગાયકવાડ ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે અહીં છેલ્લી ઘડીએ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ આ બેઠકમાં મુસ્લિમ મતદારોની સારી એવી સંખ્યાને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી છે. AIMIMએ અહીં ગઈ કાલે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રમજાન ચૌધરીને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે. આથી આ બેઠકમાં હવે ત્રિકોણીય જંગ થવાની શક્યતા છે, કારણ કે આ બેઠકમાં આવતા બાંદરા-ઈસ્ટ, કાલિના અને કુર્લાના અમુક વિસ્તારમાં મુસ્લિમ મતદારોની મોટી સંખ્યા છે. AIMIMની અચાનક થયેલી અેન્ટ્રીથી BJPને બહુ ફરક નહીં પડે, પણ કૉન્ગ્રેસની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે AIMIMએ મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજી નગર સિવાયની કોઈ બેઠક પર ઉમેદવાર નથી ઉતાર્યા, પણ હૈદરાબાદ લોકસભાની બેઠકમાં ૪૦ વર્ષમાં પહેલી વખત BJPનાં ઉમેદવાર માધવી લતાના પડકારનો સામનો કરી રહેલા AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી સામે કૉન્ગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે એટલે મુંબઈમાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર વર્ષા ગાયકવાડ સામે ઉમેદવારી નોંધાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.