24 September, 2024 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રાફિક જૅમ
મહારાષ્ટ્રના સંત રામગિરિ મહારાજ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નીતેશ રાણેએ મુસ્લિમો વિશે કરેલા કથિત વાંધાજનક નિવેદનના વિરોધમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલે ગઈ કાલે સવારે છત્રપતિ સંભાજીનગરથી ચલો મુંબઈ રૅલી શરૂ કરી હતી. મુંબઈ આવીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને રાજ્યમાં મુસ્લિમવિરોધી નિવેદનો અપાઈ રહ્યાં છે એને રોકવાસંબંધી પત્ર ઇમ્તિયાઝ જલીલ સોંપવાના હતા. જોકે અસંખ્ય લોકો મુંબઈમાં પ્રવેશ કરે તો કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત કરીને રૅલીને મુલુંડ ચેકનાકા પાસે ગઈ કાલે સાંજે રોકી દેવામાં આવી હતી. રૅલીમાં અસંખ્ય કાર અને બાઇક હતી, જેને રોકી દેવાને લીધે ભિવંડીથી થાણે અને મુલુંડ સુધી હાઇવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. રાતે ત્રણેક કલાક સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો, જેને લીધે મુંબઈ અને થાણેના રહેવાસીઓએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.