08 August, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
સોશ્યલ મીડિયા યુવકોને એટલું પ્રભાવિત કરવા લાગ્યું છે કે તેઓ પોતાનો જીવ આપી દેતાં પણ ખચકાતા નથી. ગયા અઠવાડિયે પુણેમાં બ્લુ વ્હેલ ગેમમાં એક યુવકે ૧૪મા માળેથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું હતું તો અહમદનગરમાં રહેતો ૨૦ વર્ષનો યુવક યુટ્યુબ પર સતત ઇઝરાયલ-પૅલેસ્ટીનના યુદ્ધના વિડિયો જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો કે તે કોઈને કંઈ કહ્યા વિના યુદ્ધમાં શહીદ થવા માટે ઘરેથી નીકળી ગયો હતો. જોકે તેના ફ્રેન્ડ્સને ખ્યાલ આવતાં મુંબઈ પોલીસની મદદથી આ યુવકને રોકી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ અહમદનગરના નગર-મનમાડ હાઇવે પર આવેલા બોલ્હેગાવ પરિસર ખાતેના ગાંધીનગરમાં ૨૦ વર્ષનો યુવક તેના પરિવાર સાથે રહે છે. તે સતત યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં ઇઝરાયલ અને પૅલેસ્ટીન યુદ્ધના વિડિયો જોતો હતો અને મિત્રો સાથે મુસ્લિમ સમાજ પર થઈ રહેલા અત્યાચાર બાબતે ચર્ચા કરતો હતો. તેના મગજમાં મુસ્લિમ સમાજ માટે કંઈક કરવાની ભાવના આવતાં તે શહીદ થવા માટે ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળ્યો હતો. મુંબઈ પહોંચ્યા બાદ તેણે તેના એક ફ્રેન્ડને ફોન કરીને કહ્યું કે હું પૅલેસ્ટીન યુદ્ધમાં શહીદ થવા જઈ રહ્યો છું, તારે મારી સાથે આવવું હોય તો મુંબઈ આવી જા. આ સાંભળીને ફ્રેન્ડ ચોંકી ગયો હતો. તેણે યુવકના પરિવારજનોને આ વાતની જાણ કરવાની સાથે મુંબઈ પોલીસને પણ માહિતી આપી હતી. આથી મુંબઈમાં આ યુવકને રોકી દેવામાં આવ્યો હતો અને તેને તેના અહમદનગરના ઘરે મોકલી આપવામાં આવ્યો હતો. યુવક કોના સંપર્કમાં હતો અને તેને કોણે શહીદ થવા ઉશ્કેર્યો હતો એ જાણવાનો અહમદનગરની પોલીસ પ્રયાસ કરી રહી છે અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.