16 January, 2025 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈ સેન્ટ્રલ પર આવી પહોંચેલી વંદે ભારત સ્લીપર ટ્રેન અને એની અંદરની ડિઝાઈન. (તસવીરો : સૈયદ સમીર અબેદી)
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પ્રોટોટાઇપ વંદે ભારત સ્લીપર રેક માટે કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર રન (COCR) ટ્રાયલ હાથ ધરી હતી. આ ટ્રાયલનો ઉદ્દેશ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેનની કામગીરી અને સ્થિરતાનું મૂલ્યાંકન કરવાનો હતો. આ ટ્રેન અમદાવાદથી ગઈ કાલે બપોરે ૧.૫૦ વાગ્યે મુંબઈ આવી હતી. ત્યાં હાજર રહેલા લોકોએ આ નવી વંદે ભારત સ્લીપર ટ્રેનની આકર્ષક ડિઝાઇન, આરામદાયક અને જગ્યા ધરાવતી સીટ અને વર્લ્ડ ક્લાસ ઇન્ટીરિયરની પ્રશંસા કરી હતી.
આ ટ્રેન ૧૬ કોચની છે જેમાં ૧૧ AC થ્રી-ટિયર કોચ, ચાર AC ટૂ-ટિયર કોચ અને એક ફર્સ્ટ AC કોચનો સમાવેશ થાય છે. ફર્સ્ટ AC કોચમાં ૨૪ બર્થ, સેકન્ડ ACના એક કોચમાં ૪૮ બર્થ, જ્યારે થર્ડ ACના પાંચ કોચ એવા છે જેના દરેક કોચમાં ૬૭ બર્થ અને ચાર કોચ એવા છે જેના દરેક કોચમાં ૫૫ બર્થની સુવિધા છે. આ તમામ કોચ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. મુસાફરો ટ્રેનમાં સ્મૂધ હલનચલન કરી શકે એના માટે સંયુક્ત ગૅન્ગવે, બન્ને છેડે ડૉગ બૉક્સિસ અને અટેન્ડન્ટ્સ માટે ૩૮ વિશેષ બેઠકો છે. આ ઉપરાંત તમામ કોચ ફાયર રેઝિસ્ટન્ટ છે અને એમાં દૃષ્ટિહીન મુસાફરો માટે બ્રેઇલ નેવિગેશનનો સમાવેશ થાય છે.