મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?

10 May, 2024 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, પણ અહીં વર્ષોનાં વર્ષો વિકાસકાર્યો ચાલતાં હોવા છતાં જોઈએ એવો વિકાસ થયો નથી

પ્રકાશ દાવડા, પ્રીતિ ગડા, રાજેશ દોશી

ઘાટકોપરના પ્રકાશ દાવડા કહે છે...

સરકારી વ્યવસ્થામાં પ્રામાણિક સુધારો ખૂબ જ આવશ્યક છે

મતદાન લોકશાહીનો આત્મા છે એટલે લોકોએ ફરજિયાત રીતે મતદાન કરવું જોઈએ એમ ઘાટકોપર-વેસ્ટના ૬૦ વર્ષના સામાજિક કાર્યકર પ્રકાશ દાવડા દૃઢપણે માને છે. મારા એક મતના બદલામાં હું ઇચ્છું છું કે સરકારી વ્યવસ્થામાં પ્રામાણિક સુધારો ખૂબ જ આવશ્યક છે, જેના માટે નવી સરકારે પહેલાં કોશિશ કરવી જોઈએ એમ જણાવતાં પ્રકાશ દાવડા ‘મિડ-ડે’ને કહે છે, ‘ચૂંટણી દરમ્યાન વિવિધ પક્ષો વચ્ચે પોતાની શૈલીમાં પરિવર્તન કરવાની તથા લોભામણી જાહેરાતો કરવાની વાત સામાન્ય બાબત બની ગઈ છે. હવે તો જે પક્ષ દેશપ્રેમ, દેશદાઝ, દેશની પ્રગતિની વિગત દર્શાવતો હોય એને સમર્થન આપવા તૈયાર રહેવું પડશે. મોંઘવારીની ચર્ચા ખૂબ થાય છે. મને લાગે છે કે થોડાં વર્ષો અગાઉ જે ભાવે વસ્તુ મળતી હતી એ ભાવે આજે વસ્તુ ન જ મળે, છતાં જીવનજરૂરિયાતની વસ્તુઓની કિંમત એક મર્યાદામાં રહેવી જોઈએ. માંદગીમાં ઇલાજ માટે પણ અમુક સુવિધા હોવી જોઈએ. શિક્ષણવ્યવસ્થામાં ખૂબ જ સુધારા સાથે પ્રામાણિક રીતે ધનનો ઉપયોગ થવો જોઈએ.’

ગ્રાન્ટ રોડનાં પ્રીતિ ગડા કહે છે...

વિકાસકાર્યોનો મિલિટરી ઢબે વિકાસ કરો, કાયદાને કડક બનાવો

મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, પણ અહીં વર્ષોનાં વર્ષો વિકાસકાર્યો ચાલતાં હોવા છતાં જોઈએ એવો વિકાસ થયો નથી, આજે મુંબઈ ચારે બાજુથી ખાડાળું બની ગયું છે, મિલિટરી ઢબે સરકાર વિકાસ કરીને દેશને એક નવી દિશા તરફ લઈ જાય એવું હું મારા મતના બદલામાં સરકાર પાસે ઇચ્છું છું એમ જણાવતાં ગ્રાન્ટ રોડમાં રહેતાં ઍડ્વોકેટ પ્રીતિ ગડા ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા વિસ્તારમાં છેલ્લાં ૧૦થી ૧૨ વર્ષથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મુંબઈના રસ્તાઓ, ફુટપાથો રોજ નવાં બને છે અને રોજ બિસમાર બની જાય છે જેને રિપેર કરવામાં અને એના નૂતનીકરણમાં વર્ષોનાં વર્ષો નીકળી જાય છે. સિનિયર સિટિઝનો, મહિલાઓ, દિવ્યાંગો માટે આ રસ્તાઓ અને ફુટપાથો ચાલવા યોગ્ય નથી. દિવ્યાંગો વ્હીલચૅર લઈને ફુટપાથ પર ચાલી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. આમ છતાં સરકાર એના માટે કોઈ જ પગલાં લેતી નથી કે કાર્યવાહી કરતી નથી. આજે રોડ-અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. રોડ હોય કે બ્રિજ હોય, એનું રિપેરિંગ કરનારા, એનું નૂતનીકરણ કરનારા કૉન્ટ્રૅક્ટરો માટે કડક કાયદા બનાવવાની જરૂર છે. એનું ઉલ્લંઘન કરનારાને કડકમાં કડક સજા આપવામાં આવશે ત્યારે જ દેશની પ્રગતિ થશે.’

કાંદિવલીના રાજેશ દોશી કહે છે કે...

બોરીવલીથી પુણે-નાશિક ટ્રેન શરૂ કરો

મુંબઈમાં લોકલ ટ્રેનોની હાડમારી અને રોડ પર ટ્રાફિક જૅમની સમસ્યા મુંબઈની મોટામાં મોટી સમસ્યા છે. બોરીવલી મુંબઈનું પ્રવેશદ્વાર છે અને પુણે મહારાષ્ટ્રની વિદ્યાનગરી અને ઔદ્યોગિક નગરી કહેવાય છે. કાંદિવલી-વેસ્ટના ઇલેક્ટ્રૉનિકના વેપારી રાજેશ દોશી ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા મતના બદલામાં બોરીવલી અને પુણે-નાશિક વચ્ચે સંબંધસેતુ બનાવવા માટે આ બન્ને સ્ટેશનો વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવે એમ હું ઇચ્છું છું. આજે બોરીવલી તરફ રહેનારા (ઉત્તર મુંબઈ) પૅસેન્જરોએ પુણે કે નાશિક તરફ જવું હોય તો ટ્રેન પકડીને દાદર સુધી લાંબા થવું પડે છે. જો બોરીવલીથી પુણે વચ્ચે ઇન્ટરસિટી જેવી એક્સપ્રેસ ટ્રેન વાયા વસઈ, ભિવંડી, કલ્યાણ, લોનાવલા, પુણે સુધી દોડાવવામાં આવે તો પૅસેન્જરોને ઘણી રાહત થાય. વિરાર સુધીના પૅસેન્જરોએ દાદર કે મુંબઈ સેન્ટ્રલ સુધી ટ્રેન પકડવા માટે લાંબા ન થવું પડે. સમય સાથે ઈંધણની પણ બચત થાય, રોડ પરનો ટ્રાફિક ઓછો થાય, દાદર સ્ટેશન પર પણ પૅસેન્જરોનો ભાર ઓછો થાય. વસઈ-ભિવંડી પણ મહત્ત્વનાં ઔદ્યોગિક કેન્દ્રો છે અને લોનાવલા હિલ સ્ટેશન છે. અત્યારના ટાઇમ-ટેબલ મુજબ બોરીવલીથી વાયા દાદર પુણે કે નાશિક જવા માટે પૅસેન્જરોએ વહેલી સવારે ઊઠીને ટ્રેન પકડવા જવું પડે છે. વસઈ-દિવા રેલવેલાઇન તૈયાર છે. રેલવે-સ્ટેશનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે, તો નવી સરકાર રચાય પછી નવા રેલવે-મિનિસ્ટર બોરીવલીથી પુણે-નાશિક ટ્રેનની શુભ શરૂઆત કરે એવી અપેક્ષા રાખું છું.’

mumbai news mumbai Lok Sabha Election 2024 gujaratis of mumbai gujarati community news kandivli grant road ghatkopar