13 June, 2023 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આમ તો બીએમસીએ એનાં જે કંઈ પણ મેઇન્ટેનન્સનાં કામ હોય એ વરસાદ પહેલાં મે મહિનાના અંત સુધીમાં પતાવી દેવાનાં હોય છે, પણ એવું જાણવા મળ્યું છે કે બીએમસી અને એમએમઆરડીએ દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજનાં કેટલાંક કામ અને બાકી રહી ગયેલા ખાડા પર પેચ-વર્ક કરવાનું હોવાથી એ વહેલી તકે પૂરાં કરવાં માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પાસે એનઓસી માગવામાં આવ્યું હતું. એટલું જ નહીં, કામ ચાલે ત્યારે ટ્રાફિક મૅનેજ કરવા પણ પોલીસને વિનંતી કરી છે. હવે ટ્રાફિક પોલીસ પાસેથી એનઓસી મળી જતાં આ કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લીધે પીક-અવર્સમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શરૂ થઈ ગઈ છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દિંડોશી સિગ્નલ પાસે કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં ડાયવર્ઝન લાગુ કરાયું છે અને એને કારણે ભયંકર ટ્રાફિક જૅમ થાય છે. એ ઉપરાંત જેવીએલઆર, સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ અને બાંદરામાં પણ હાઇવે અને બ્રિજ પર છેલ્લી ઘડીનાં મેઇન્ટેનન્સ કામ કાઢવાને કારણે ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે. ટ્રાફિક મૂવમેન્ટ ભલે ધીમી રહે, પણ એ સરળતાથી ચાલતી રહે એ માટે મુંબઈ ટ્રાફિક પોલીસે એ દરેક સ્પૉટ પાસે વધારાનો સ્ટાફ ડિપ્લૉય કરી ટ્રાફિક મૅનેજ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. ખાસ કરીને પીક-અવર્સમાં એ કામને કારણે ડાયવર્ઝન અને બૅરિકેડ્સ લગાડીને થતા કામને લીધે વાહનોને પાસ થવાની જગ્યા ઓછી રહેતી હોવાથી વાહનચાલકોને વરસાદ પહેલાં જ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.