08 November, 2024 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂનમ મહાજન, પ્રમોદ મહાજન
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રમોદ મહાજનની તેમના સગા ભાઈ પ્રવીણ મહાજને ૨૦૦૬માં ગોળીબાર કરીને હત્યા કરી હતી. આ હત્યા પરિવારના ઝઘડામાં કરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું. આ ઘટનાનાં ૧૮ વર્ષ બાદ ગઈ કાલે પ્રમોદ મહાજનનાં પુત્રી અને ભૂતપૂર્વ સંસદસભ્ય પૂનમ મહાજને દાવો કર્યો હતો કે તેમના પિતાની હત્યાનું ષડ્યંત્ર ઘડવામાં આવ્યું હતું. પૂનમ મહાજને એક ન્યુઝ-ચૅનલ સાથેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારા પિતાની હત્યા થઈ ત્યારે કૌટુંબિક ઝઘડો હોવાની ચર્ચા હતી. જોકે પ્રમોદ મહાજનની રાજકીય કારકિર્દી આગળ ન વધે એ માટે ષડ્યંત્ર કરવામાં આવ્યું હતું. મારા પિતાને આગળ વધતા રોકવા માટે હત્યા કરવામાં આવી હતી એટલું જ નહીં, મારી લોકસભાની ટિકિટ કાપવાની પાછળ પણ મોટું ષડ્યંત્ર હતું. હત્યાના આ મામલાની યોગ્ય તપાસ નહોતી થઈ. આ ષડ્યંત્ર કોણે કર્યું, આવું કેમ કરવામાં આવ્યું એ હું શોધવા નહીં બેસું, પણ આ ષડ્યંત્ર આજે નહીં તો કાલે જરૂર બહાર આવશે.’
આટલાં વર્ષ બાદ અચાનક વિધાનસભાની ચૂંટણી સમયે જ પૂનમ મહાજને પિતાની હત્યાના મામલો બહાર કાઢ્યો છે એનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે અને તેમનો ઇશારો કોના તરફ છે એની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે પ્રમોદ મહાજન પર ૨૦૦૬ની ૨૨ એપ્રિલે તેમના વરલીમાં આવેલા પૂર્ણા અપાર્ટમેન્ટના ઘરમાં સવારના તેમના નાના ભાઈ પ્રવીણ મહાજને પોતાની પાસેની પિસ્ટલથી ગોળીબાર કર્યો હતો. હત્યાના આ મામલામાં કોર્ટે પ્રવીણ મહાજનને આજીવન કેદની સજા કરી હતી. ૨૦૧૦માં જેલમાં બ્રેઇન-હૅમરેજ થતાં પ્રવીણ મહાજનનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
પૂનમ મહાજન ઉપરાંત ગઈ કાલે પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને પણ કાવતરું ઘડીને હત્યા કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. પ્રકાશ મહાજને કહ્યું હતું કે ‘મારા ભાઈની હત્યાનું ષડ્યંત્ર ઘડનારી વ્યક્તિ હાથ લાગશે તો હું તેને હું જીવતી નહીં રહેવા દઉં. કાવતરું ઘડનારી વ્યક્તિ પોલાદી પડદાની પાછળ છે. આ વ્યક્તિને કારણે મેં મારા બે ભાઈ ગુમાવ્યા. કાવતરું જાહેર ન થાય એ માટે ભાઈના હાથે જ ભાઈની હત્યા કરાવવામાં આવી છે. પ્રવીણ મહાજનને ભરમાવવામાં આવતાં તેણે પ્રમોદ પર ગોળીબાર કરીને હત્યા કરી હતી.’
પુરાવા રજૂ કરવા જોઈએ
પૂનમ અને પ્રકાશ મહાજને પ્રમોદ મહાજનની હત્યા કાવતરું હતું એવો દાવો કર્યો છે એ વિશે BJPના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘પૂનમ કે પ્રકાશ મહાજન પાસે પુરાવા હોય તો એ સરકારને આપવા જોઈએ. સરકાર એની તપાસ કરશે અને જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’
પંકજા-ધનંજય મુંડે ભાઈ-બહેનોએ કરોડોની જમીન પડાવી : સારંગી મહાજન
પૂનમ મહાજન અને પ્રકાશ મહાજન બાદ ગઈ કાલે પ્રવીણ મહાજનનાં પત્ની સારંગી મહાજને પંકજા અને ધનંજય મુંડે પર ગંભીર આરોપ કર્યો હતો. સારંગી મહાજને દાવો કર્યો હતો કે ‘મારા પતિના નામે બીડ જિલ્લાના પરલી તાલુકામાં જીરેવાડીમાં જમીન હતી. આ જમીનની કિંમત કરોડો રૂપિયા હતી, પણ પંકજા અને ધનંજય મુંડેએ મારી પાસેથી સસ્તામાં પડાવી લીધી હતી. મને કોરા કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું અને સહી નહીં કરો તો પરલીમાંથી બહાર નહીં જઈ શકો એવી ધમકી પણ આપવામાં આવી હતી.’