14 October, 2024 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) સેસમાં પચાસ ટકા ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે અને એ માટેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. પહેલાં જે એક ટકો સેસ લેવાતો હતો એ હવે સરકારે દર ૧૦૦ રૂપિયા પર પચીસ પૈસા અને વધુમાં વધુ પચાસ પૈસા લેવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને વેપારીઓએ વધાવી લીધો છે. વેપારીઓ દ્વારા લાંબા સમયથી આ માટે લડત ચલાવવામાં આવી હતી.
આ બદલ માહિતી આપતાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM)ના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘APMC દ્વારા લેવાતા એક ટકો સેસ સંદર્ભે વેપારીઓમાં નારાજગી પ્રવર્તતી હતી. મહિને લાખો રૂપિયાની સેસની આવક રળતી APMC એ સેસની સામે જોઈએ એવી સુવિધા આપતી નથી એટલે એ રદ કરવામાં આવે એવી માગ હતી. આ બદલ FAM, મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, કૅમિટ, ગ્રોમા, પુણે મર્ચન્ટ ચેમ્બરની આગેવાનીમાં મહારાષ્ટ્રભરના વેપારીઓએ લડત ચલાવી હતી. મુંબઈ અને પુણેમાં બેઠકો પણ કરાઈ હતી અને મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં એક દિવસના લાક્ષણિક બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ૨૭ ઑગસ્ટે એનું આયોજન કરાયું હતું. જોકે એ પછી અમારા પ્રતિનિધિ મંડળે ૨૬ ઑગસ્ટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને મંગલ પ્રભાત લોઢા સાથે બેઠક કરી હતી અને ઘટતું કરવાનું આશ્વસાન આપ્યું હતું. એથી મુંબઈમાં લાક્ષણિક બંધ કૅન્સલ કરાયો હતો. હવે રાજ્ય સરકારે નિર્ણય લઈ એનું નોટિફિકેશન પણ બહાર પાડતાં વેપારીઓની લડત રંગ લાવી છે અને તેમની જીત થઈ છે. આ ઉપરાંત વેપારીઓની અન્ય નાની-મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે એવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.’