પોલીસે બાવીસ દિવસ છટકું ગોઠવીને આરોપીને પકડવામાં મેળવી સફળતા

06 October, 2023 10:51 AM IST  |  Mumbai | Mehul Jethva

સાઉથ મુંબઈની જાણીતી મીઠાઈની દુકાનની નકલી વેબસાઇટ તૈયાર કરીને લોકોને છેતરનારા આગરાના યુવાનની પોલીસે કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

નકલી વેબસાઇટ પર પોતાનો વ્યક્તિગત મોબાઇલ નંબર અપલોડ કર્યો હતો : જે લોકો વેબસાઇટ ખોલીને મીઠાઈ કે અન્ય વસ્તુનો ઑર્ડર આપતા તેમની સાથે આરોપી છેતરપિંડી કરતો

દક્ષિણ મુંબઈમાં આવેલી મીઠાઈની લોકપ્રિય દુકાનની નકલી વેબસાઇટ બનાવીને મીઠાઈઓ પહોંચાડવાના બહાને આશરે આઠ ગ્રાહકોને છેતરવા બદલ ગામદેવી પોલીસે ઉત્તર પ્રદેશના આગરામાંથી ૩૩ વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને પકડવા માટે ગામદેવી પોલીસે આશરે બાવીસ દિવસ છટકું ગોઠવ્યું હતું. ત્યાર બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપી સામે મુંબઈ સહિત આસપાસનાં પરાંઓમાં અનેક સાઇબર છેતરપિંડીના કેસ નોંધાયા હોવાની માહિતી પોલીસ સામે આવી છે.

તાડદેવ રોડ પર ઝોરોસ્ટ્રિયન કૉલોનીમાં રહેતા ૭૪ વર્ષના મેહરુ મીનુ ચિક્કામોરિયાએ ૧૫ ઑગસ્ટે બપોરે સાડાબાર વાગ્યે ગૂગલ સર્ચ એન્જિન પર જઈને મીઠાઈની દુકાન તિવારી બ્રધર્સનો નંબર સર્ચ કર્યો હતો. એમાં મળેલા નંબર પર સંપર્ક કરતાં તેમની સાથે ૯૦,૭૧૦ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હતી. એવી જ રીતે બી. ડી. રોડ અમર પાર્ક વિસ્તારની એક સોસાયટીમાં રહેતા કમલ ગવેડિયા ૧૬ ઑગસ્ટે પારસી નવા વર્ષ નિમિત્તે તેમની સ્કૂલના સ્ટાફ માટે સમોસા મગાવવા માગતા હતા. એના માટે તેમણે તિવારી બ્રધર્સ સ્વીટ શૉપમાંથી ઑનલાઇન ઑર્ડર આપવા માટે તિવારી બધર્સ નામ ગૂગલ સર્ચ કર્યું હતું. એમાં મળેલા નંબર પર સંપર્ક કરતાં તેમની સાથે ૬૧,૯૩૨ રૂપિયાનું સાઇબર ફ્રૉડ થયું હતું. આવી જ રીતે બીજા કેટલાક લોકો તિવારી બ્રધર્સ સ્વીટ શૉપની માહિતી ગૂગલ પર શોધવા જતાં તેમની સાથે થયેલી સાઇબર ફ્રૉડની ઘટનાઓ ગામદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરીને ઉત્તર પ્રદેશના આગરામાંથી રાહુલ ડોગરાની ધરપકડ કરી હતી. તેણે દુકાનની નકલી વેબસાઇટ પર પોતાનો વ્યક્તિગત મોબાઇલ નંબર અપલોડ કર્યો હતો. જે વ્યક્તિઓ વેબસાઇટ ખોલીને મીઠાઈ કે અન્ય વસ્તુનો ઑર્ડર આપતા તેમની સાથે આરોપી છેતરપિંડી કરતો હતો. ગામદેવી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વિવેક શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતં કે ‘લોકોને મીઠાઈ પહોંચાડવાના બહાને જાણીતી મીઠાઈની દુકાનના નામે નકલી વેબસાઇટ બનાવીને તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ અમે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરતાં જાણવા મળ્યું હતું કે આ જ દુકાનની તેણે નકલી વેબસાઇટ તૈયાર કરીને આઠ લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવ્યા હતા.’ ઇન્સ્પેક્ટર વિવેક શિંદેએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આરોપી વારંવાર તેનું રહેઠાણ બદલતો હતો. તેની ગોપનીય અને ટેક્નિકલ માહિતીના આધારે છટકું ગોઠવીને આગરામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેણે સ્વીટ શૉપની નકલી વેબસાઇટ બનાવીને લોકોને છેતર્યા હતા.’ ટેક્નિકલ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે આરોપી વેબ ડિઝાનઇર હતો. તેણે સ્વીટ શૉપ જેવી સેમ વેબસાઇટ તૈયાર કરી હતી. જો કોઈ વ્યક્તિ એ મીઠાઈ શૉપનું નામ ગૂગલ પર સર્ચ કરે તો પહેલું નામ આવતું. તેમણે કહ્યું હતું કે ‘આરોપીને પકડવા માટે અમે દિલ્હી, નોએડા, મધ્ય પ્રદેશ સહિત બીજાં રાજ્યોમાં અનેક દિવસ છટકું ગોઠવ્યું હતું.’

Crime News mumbai crime news mumbai police south mumbai agra mumbai mumbai news cyber crime mehul jethva