સગીર આરોપીની ઉંમર અઢારથી ઘટાડીને ૧૪ વર્ષ કરવામાં આવે

04 October, 2024 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવારનું મહત્ત્વનું સૂચન

અજિત પવાર

ક્રિમિનલ કેસમાં સગીર આરોપીની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૪ વર્ષ કરવામાં આવે એમ મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું છે. આ બાબતે તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરશે એમ તેમણે જણાવ્યું છે.

અજિત પવારે કહ્યું હતું કે હાલમાં બે સગીરોએ તેમના જ મિત્રની હત્યા કરી નાખી હતી અને તેમની બન્નેની ઉંમર ૧૭ વર્ષ જ હતી. હાલ ક્રિમિનલ લૉ હેઠળ ગંભીર ગુનામાં ફક્ત ૧૮ વર્ષ કરતાં મોટાને જ સજા કરી શકાય છે.

પુણેમાં પૂરઝડપે ​પૉર્શે કાર ચલાવીને બે જણનાં મૃત્યુ નિપજાવનાર બિલ્ડરનો દીકરો પણ ૧૭ વર્ષનો જ હતો. અજિત પવારે વધુમાં કહ્યુ હતું કે ‘પહેલાં ૧૮-૨૦ વર્ષે સમજદારી આવતાં એ પુખ્ત વય ગણાતી, પણ હવે સમય બદલાયો છે. હવેના છોકરાઓ બહુ જ જાણકાર હોય છે અને તેમની પાસે માહિતી પણ હોય છે. કેટલાક ઑફિસરોનું કહેવું છે કે સજા આપવા માટેની ઉંમર હવે ૧૮થી ઘટાડીને ૧૪ વર્ષ કરવી જોઈએ. ૧૭ વર્ષના છોકરાઓને બરોબર ખબર હોય છે કે જો તેઓ ગુનો કરશે તો પણ છૂટી જશે. ૧૬થી ૧૮ વર્ષના છોકરાઓની હવે ક્રિમિનલ ઍક્ટિવિટીમાં વધુ સંડોવણી જોવા મળે છે. આપણે આ સંદર્ભે કેન્દ્રને જાણ કરવી જોઈએ અને નવા કાયદા ઘડી કાઢવા જોઈએ.’ 

હું હવે જ્યારે અમિત શાહ સાથે મુલાકાત કરીશ ત્યારે આ બાબતે ચર્ચા કરીશ એટલું જ નહીં, આ બાબતે એક પત્ર લખીને પણ તેમને જણાવીશ. આ વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે પણ વાત કરીશ. - અજિત પવાર

ajit pawar maharashtra news mumbai mumbai news