05 April, 2022 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંજના ૭ વાગ્યા સુધી ૧૯,૭૯૫ લોકોએ જ પ્રવાસ કર્યો
શનિવારે આરેથી કાંદિવલીની દહાણુકરવાડી સુધી મેટ્રો ૭ અને મેટ્રો ૨એની લાઇન શરૂ કરાયા બાદના ગઈ કાલના કામકાજના પહેલા દિવસે જ માગાઠાણે અને આરે વચ્ચે ટેક્નિકલ પ્રૉબ્લેમ ઊભો થવાથી અમુક સમય સુધી આ લાઇનો બંધ કરવી પડી હતી. સવારના ધસારાના સમયે જ આ સમસ્યા ઊભી થવાથી લોકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. કામકાજના પહેલા દિવસે સાંજના સાત વાગ્યા સુધીમાં ૧૯,૭૯૫ જેટલા પ્રવાસીઓએ જ પ્રવાસ કર્યો હોવાથી મેટ્રોને જોઈએ એવો રિસ્પૉન્સ ન મળ્યો હોવાનું કહી શકાય.
મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (એએએઓસીએલ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘મેટ્રો ૭ લાઇનમાં સવારના સમયે માગાઠાણે અને આરે વચ્ચે ટેક્નિકલ ખામીને લીધે ટ્રેન અટકાવી દેવાઈ હતી. આ ટ્રેનના મુસાફરોને એ પછીની બીજી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. આ મુશ્કેલી બદલ પ્રવાસીઓની માફી માગવામાં આવી હતી. દહિસરના આનંદનગરથી આરે તરફ જઈ રહેલી એક ટ્રેન માગાઠાણે પહોંચી ત્યારે બંધ પડી ગઈ હતી. ગણતરીના સમયમાં જોકે ટ્રેનના રવાના કરીને સર્વિસને સામાન્ય કરી દેવાઈ હતી.’
શનિવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હાથે આરે મેટ્રો સ્ટેશન પર શરૂ કરવામાં આવેલી મેટ્રો ટ્રેનમાં રાતના ૮થી ૧૦ વાગ્યા દરમ્યાન ફ્રી સર્વિસ ચલાવવામાં આવી હતી, જેનો લાભ ૨૦ હજાર લોકોએ લીધો હતો. રવિવારે રજાનો દિવસ હોવા છતાં સવારના છ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ૫૫,૦૦૦ લોકોએ મેટ્રોની સવારી કરી હતી. રવિવારે સવારે અને બપોરે ઓછા લોકો હતા, પરંતુ મોડી સાંજે મોટી સંખ્યામાં લોકો મેટ્રોમાં મુસાફરી કરવા નીકળ્યા હતા. શનિવારે અને રવિવારે કેટલીક ખામીઓને લીધે ૧૦થી ૧૫ મિનિટ સુધી ટ્રેન અટકાવી દેવાઈ હતી.
મેટ્રો રેલના પ્રવક્તા મુજબ ગઈ કાલે સાંજના સાત વાગ્યા સુધીમાં ૧૯,૭૯૫ લોકોએ જ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. કામકાજના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો બહાર નીકળતા હોવા છતાં પહેલા દિવસે ઓછો રિસ્પૉન્સ મળ્યો હોવાનું આ આંકડા પરથી કહી શકાય.