જો નયાનગરના ફેક વિડિયો વાઇરલ કર્યા છે તો ખેર નથી

25 January, 2024 08:29 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સોશ્યલ મીડિયા કે વૉટ્સઍપ ગ્રુપ પર શાંતિનો ભંગ કરનારા આવા વિડિયો શૅર કરવામાં આવશે તો ગ્રુપ-ઍડ્‍મિન અને સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પોલીસે આપી ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની પૂર્વરાતે મીરા રોડના નયાનગરમાં શ્રીરામના ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરનારા રામભક્તો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિડિયો સાથે અનેક ફેક વિડિયો પણ ઝડપભેર વાઇરલ થઈ રહ્યા હોવાથી પોલીસ ‌વિભાગ માટે એ ચિંતાનો વિષય બન્યો છે. આવા વિરોધાભાસી ‌વિડિયોને કારણે માંડ શાંત પડેલા વાતાવરણમાં અશાંતિ ઊભી થઈ રહી છે. પોલીસ ઘરમાં ઘૂસીને અસામાજિક તત્ત્વોને બહાર કાઢી રહી છે, મીરા રોડ સ્ટેશને અસામાજિક તત્ત્વોએ આગ લગાડી છે એવા વિડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યા હોવાથી અંતે પોલીસ વિભાગે ઑર્ડર બહાર પાડીને અફવા ન ફેલાવવાની અને આવા ફેક ‌વિડિયો વાઇરલ ન કરવાની સ્પષ્ટતા કરી છે અને એવું થશે તો કઠોર કાર્યવાહી કરવાનો ઇશારો અપાયો છે.      
મીરા રોડમાં થયેલી હિંસા દરમ્યાન સોશ્યલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ વાઇરલ કરનાર અબુ શેખને થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસે અબુ શેખનો વાઇરલ વિડિયો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો એટલે કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. અબુ શેખની કોર્ટમાં હાજરી દરમ્યાન કોર્ટની બહાર ભારે પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

વાઇરલ વિડિયોમાં બંદૂક પ્લાસ્ટિકની

નયાનગરની ઘટના બાદ સતત વાઇરલ થઈ રહેલા વિડિયોમાંથી એકમાં રૅલીમાં સામેલ યુવકના હાથમાં એક બંદૂક હતી જેના પર અસંખ્ય કમેન્ટ્સથી લઈને શાં​તિ ભંગ થઈ હતી. જોકે પોલીસે કરેલી તપાસમાં આ બંદૂક પ્લાસ્ટિકની હોવાનું જાણવા મળ્યું હતું તેમ જ સોશ્યલ મીડિયામાં કરાયેલી ભડકાઉ પોસ્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.

જ્વેલરીના ધંધા પર અસર
નયાનગરમાં હિન્દુ સંપ્રદાયના અનેક લોકોની જ્વેલરીની દુકાનો આવેલી છે, પરંતુ આ બનાવ બન્યો ત્યારથી ગઈ કાલ સુધી દુકાનોમાં કોઈ આવતું ન હોવાથી ધંધા પર અસર થઈ હોવાનું જ્વેલર્સનું કહેવું છે. નયાનગરમાં કુબેર જ્વેલર્સ દુકાન ધરાવતા કિરીટ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘આ બનાવ બન્યા બાદ છેલ્લા બે દિવસથી અમારો ધંધો ઠપ થઈ ગયો છે. આ નિંદનીય ઘટના બાદ વારંવાર દુકાન બંધ કરવી પડી રહી હતી એટલે ગ્રાહકોને સમય પર તેમની વસ્તુ આપી શકાતી નહોતી અને ધંધા પર એની અસર થઈ રહી છે.’ આ બનાવ બાદ મંગળવાર રાત સુધી નયાનગર જ નહીં, મીરા રોડના અન્ય વિસ્તારોની અનેક દુકાનો પણ બંધ રહેલી જોવા મળી હતી.  

બંધનું એલાન પાછળ લેવાયું 

યાનગરમાં રામભક્તો પર હુમલા થયા બાદ શિવસેનાના ​વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક દ્વારા મીરા-ભાઈંદર બંધનું એલાન કરાયું હતું, પરંતુ શાંતિમય પ‌રિસ્થિતિ જોતાં એ હવે પાછું ખેંચાયું છે. શ્રીરામના ભક્તોને હા​નિ પહોંચાડનારાઓને આકરો જવાબ મળશે એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. આ ઉપરાંત તેમણે આ વિષય પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમના કહેવા અનુસાર મીરા રોડમાં શ્રીરામભક્તો પર હુમલાની ઘટના બાદ રાજ્ય સરકારના પોલીસ-પ્રશાસને કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોપી હુમલાખોરોની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે અને સરકારે કાર્યવાહીનું બુલડોઝર ફેરવ્યું છે. મીરા-ભાઈંદરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. પોલીસ દ્વારા નિયંત્રણમાં લાવવામાં આવેલી પરિસ્થિતિ અને સ્થાપિત શાંતિને ખોરવવાનો પ્રયાસ શહેરની બહારનો સમુદાય કરે એવી શક્યતા નકારી શકાતી નથી. એને કારણે પોલીસ-પ્રશાસન પર ફરીથી દબાણ આવી શકે છે. રાજ્ય સરકાર અને પોલીસ-પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અને સ્થાપિત શાંતિ જાળવવા માટે શિવસેનાએ આજે ૨૫ જાન્યુઆરીએ મીરા-ભાઈંદર બંધનું એલાન કર્યું હતું એ પાછું ખેંચવામાં આવ્યું છે. કોઈ પણ રામભક્તો સામે ગેરરીતિ સહન નહીં કરાય. મીરા રોડમાં બનેલી ઘટના વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. તેમના આદેશ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. પોલીસ-પ્રશાસનના અધિકારીઓએ મીરા-ભાઈંદરને બંધ ન કરવાની વિનંતી કરી હોવાથી આ બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું છે. આજે મરાઠા આરક્ષણ માર્ચ સાથે મુંબઈના દરવાજા પર પહોંચશે. એના માટે મીરા-ભાઈંદરમાં વધારાની પોલીસ-ફોર્સ આવવાની શક્યતા છે.’

રામ શાંતિ તિરંગા યાત્રાનું આયોજન
મીરા રોડના નયાનગરના વિવાદના પ્રત્યાઘાત સમાજમાં પડવા લાગ્યા છે. પરિણામે શહેરની શાંતિ પર એની અસર જોવા મળી રહી છે. તેથી મીરા-ભાઈંદરની શાંતિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી બીજેપીના ભૂતપૂર્વ ​વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા દ્વારા ૨૬ જાન્યુઆરીએ ‘શ્રી રામ શાંતિ તિરંગા યાત્રા’નું મીરા રોડ રેલવે સ્ટેશનથી નયાનગર સુધી આયોજન કરવામાં આવ્યું છે. એમાં વિવિધ ધર્મના લોકો ભાગ લેશે અને શાંતિનો સંદેશ આપશે.

mira road ayodhya ram mandir mumbai police mumbai news mumbai