બૅન્કના કર્મચારીઓના યુનિયને વધુ સ્ટાફ અને સિક્યૉરિટીની માગણી કરી

19 August, 2024 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાડકી બહિણ યોજનામાં મહિલાઓના ધસારાને પહોંચી વળવા

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજનામાં રાજ્યની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ રકમ મહિલાઓના બૅન્ક-અકાઉન્ટમાં જમા થઈ રહી છે એટલે બૅન્કોમાં મહિલાઓનો અભૂતપૂર્વ ધસારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, બૅન્કમાં નવાં અકાઉન્ટ ખોલવા માટે પણ અસંખ્ય મહિલાઓ પહોંચી રહી છે. આથી બૅન્કોના કર્મચારીઓના યુનિયન દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને બૅન્કોમાં વધુ સ્ટાફની સાથે સિક્યૉરિટીમાં વધારો કરવાની માગણી કરવામાં આવી છે.

યુનિયનના કન્વીનર દેવીદાસ તુળજાપુરે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં નોંધ્યું છે કે લાડકી બહિણ યોજનાની શરૂઆત થયા બાદ બૅન્કોમાં નવાં અકાઉન્ટ ખોલવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે જેને લીધે બૅન્કોના કામ પર અસર થઈ રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે મોટી સંખ્યામાં ખાતાધારક મહિલાઓ આધારકાર્ડ લિન્ક કરાવવા ધસારો કરી રહી છે જેને લીધે બૅન્કના કાઉન્ટર પર લાંબી લાઇનો થઈ રહી છે. જન ધન અકાઉન્ટ અગાઉ ખોલવામાં આવ્યાં હતાં એ બાદમાં સેવિંગ્સ અકાઉન્ટમાં કન્વર્ટ થઈ ગયાં છે. આથી બૅન્કની વિવિધ સર્વિસ અને મ‌િનિમમ અમાઉન્ટ વગેરે માટેની રકમ આવા અકાઉન્ટમાં ચાર્જ કરવામાં આવી છે. લાડલી બહિણ યોજનામાં ૩૦૦૦ રૂપિયા જમા થયા બાદ બૅન્કના ચાર્જ બૅન્કની ઑટો સિસ્ટમથી કપાઈ જાય છે. એને લીધે અકાઉન્ટમાં પૂરી રકમ ન દેખાતાં મહિલાઓ બૅન્કમાં પૂછપરછ કરવા પણ પહોંચી રહી છે.

mumbai news mumbai maharashtra news political news ajit pawar devendra fadnavis eknath shinde