પુણેમાં કૉન્ગ્રેસના નેતાના નામે થયું બોગસ મતદાન

14 May, 2024 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરવિંદ શિંદે સવારના ૧૧ વાગ્યે મત આપવા ગયા ત્યારે તેમના નામનો મત તો પહેલેથી અપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું

અરવિંદ શિંદે

ભારતમાં ચૂંટણીઓમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)થી મતદાન કરવાની શરૂઆત થયા બાદ બોગસ મતદાનના મામલામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ગઈ કાલે પુણેમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાન વખતે કૉન્ગ્રેસના નેતા અરવિંદ શિંદે સવારના ૧૧ વાગ્યે મત આપવા ગયા ત્યારે તેમના નામનો મત તો પહેલેથી અપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. કૉન્ગ્રેસના નેતાએ આ બોગસ મતદાનની ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી હતી. અરવિંદ શિંદેએ કહ્યું હતું કે ‘હું સવારના ૧૧ વાગ્યે મતદાનકેન્દ્રમાં મત આપવા ગયો ત્યારે પોલિંગ બૂથના રજિસ્ટરમાં મારા નામ પર કોઈકે મતદાન કર્યું હોવાનું નોંધવામાં આવ્યું હતું. મારું મતદાન બાકી છે એવી ફરિયાદ કરતાં બાદમાં મને ટેન્ડર વોટ સુવિધાથી મતદાન કરવાનું કહેવામાં આવ્યું હતું. મારા આ મતની ગણતરી થશે કે કેમ એની મને શંકા છે. આ અત્યંત ગંભીર બાબત છે.’

mumbai news mumbai election commission of india Lok Sabha Election 2024 congress