સ્વજનની વિદાયની વસમી વેળાએ પણ પરહિતચિંતન

07 July, 2024 06:49 AM IST  |  Mumbai | Rohit Parikh

માત્ર ૪૨ વર્ષના હિરેન સાવલાના મૃત્યુ પછી પરિવારજનોએ તેનાં હાર્ટ, લિવર, બે કિડની અને પૅન્ક્રિયાસ ડોનેટ કર્યાં

હિરેન મહેશ સાવલા

ગાર્મેન્ટ્સના બિઝનેસ સાથે સંકળાયેલા પરેલ વિલેજના ૪૨ વર્ષના હિરેન મહેશ સાવલાના મૃત્યુ બાદ તેમનું હાર્ટ, લિવર, બે કિડની અને પૅ​ન્ક્રિયાસ ડોનેટ કરીને તેમના પરિવારે પાંચ જણને જીવતદાન આપ્યું છે. હિરેન સાવલાનાં પત્ની મિત્તલનાં મામી અને સામાજિક કાર્યકર શીતલ દેઢિયાએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે હિરેનને બ્રેઇન-સ્ટ્રોક આવતાં તેના પપ્પા મહેશભાઈના જ પાડોશી અને સર્જ્યન ડૉ. નૂતન શર્મા તરત જ તેને ચર્ની રોડની સૈફી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તરત જ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનું બૉડી રિસ્પૉન્સ આપતું નહોતું. તેના બ્રેઇનની સર્જરી પછી પણ તેનું બૉડી રિસ્પૉન્સ આપતું નહોતું. જોકે અમને ડૉક્ટરે કહ્યું કે તેનાં બીજાં બધાં ઑર્ગન્સ કામ કરી રહ્યાં છે. આ સંજોગોમાં અમે પરિવારે સાથે મળીને હિરેનનાં ઑર્ગન્સ ડોનેટ કરવાનો વિચાર કર્યો હતો. ૨૬ વર્ષ પહેલાં હિરેનના સસરા હિરેન્દ્ર ગોગરી ૪૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા ત્યારે અમે તેમનું દેહદાન કર્યું હતું. એટલે હિરેનનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની વાત જેવી અમે તેની પત્ની મિત્તલને કરી કે તરત જ તેણે માનવતાના કાર્યમાં કોઈ પણ જાતના ખચકાટ વગર હા પાડી દીધી હતી. ત્યાર પછી તેના ભાઈ, તેનાં મમ્મી-પપ્પા તેમ જ મિત્તલનાં મમ્મીએ પણ હિરેનનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની સંમતિ આપી હતી. એને પરિણામે અમે હિરેનનાં ઑર્ગન્સ ડોનેટ કરીને અનેક લોકોને જીવતદાન આપવા માટે સહભાગી બન્યા હતા.’

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news lower parel