03 July, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મહાનગરપાલિકાએ ભુશી ડૅમ નજીક કાર્યવાહી કરી હતી
વરસાદની સીઝન શરૂ થતાંની સાથે જ લોકો મુંબઈની આસપાસનાં વૉટરફૉલવાળાં પર્યટન-સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. ઘણી વાર નૈસર્ગિક વૉટરફૉલ પર લોકો પોતાના જીવને જોખમમાં પણ મૂકતા હોય છે. રવિવારે લોનાવલાના ભુશી ડૅમ નજીક પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માત બાદ રાજ્યના મુખ્ય પ્રધાને જિલ્લા પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપતાં પુણેનું જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. લોનાવલા દુર્ઘટનાને પગલે પુણે જિલ્લાના કલેક્ટર ડૉ. સુહાસ દિવસેએ વહીવટી તંત્ર સાથે મળીને પ્રવાસન-સ્થળો પર સુરક્ષાનાં પગલાંની યોજના બનાવી હતી અને સ્થાનિક સ્તરે પ્રશાસનને પણ અમુક ઉપાય યોજના બનાવવાનો આદેશ આપ્યો હતો. એના આધારે માવળ મુળશી ઉપવિભાગીય અધિકારી સુરેન્દ્ર નવલે ગઈ કાલે એક આદેશ જાહેર કરીને લોનાવલામાં લાયન્સ, ટાઇગર અને શિવલિંગ પૉઇન્ટ પર પ્રવાસીઓ માટે સાંજે છ વાગ્યા પછી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ સિવાય ભુશી ડૅમ પર ટૂરિસ્ટોને જવાની પરવાનગી આપવામાં આવી છે, પણ એની આસપાસ આવેલા બીજા બે વૉટરફૉલ પર જવાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેમાં રેલવે ગેસ્ટ હાઉસની પાસે આવેલા ધોધનો અને વેસ્ટ વિયરના નામે ઓળખાતા વૉટરફૉલનો સમાવેશ છે. લોનાવલામાં સહારા પુલની સામે આવેલા ત્રણ નાના વૉટરફૉલ પર જવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૩૧ ઑગસ્ટ સુધી રહેશે. ગઈ કાલે લોનાવલામાં ભુશી ડૅમ નજીક આવેલા તમામ ફૂડ-સ્ટૉલ સહિતની ટેમ્પરરી ઊભી કરવામાં આવેલી દુકાનો મહાનગરપાલિકાએ તોડી પાડી હતી.
ભુશી ડૅમ, પાવના લેક, સિંહગઢ, માલશેજ ઘાટ, તામ્હિણી ઘાટ વગેરેની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી ત્યાં ડૂઝ ઍન્ડ ડોન્ડ્સના બોર્ડ મૂકવાનો આદેશ સ્થાનિક પ્રશાસનને આપવામાં આવ્યો છે. આ સિવાય રેસ્ક્યુ ટીમ, લાઇફગાર્ડ્સ, લાઇફ જૅકેટ, રેસ્ક્યુ બોટ વગેરેની વ્યવસ્થા રાખવા પણ પુણે જિલ્લાના કલેક્ટર ડૉ. સુહાસ દિવસેએ સોમવારે રાત્રે કાઢેલા આદેશમાં જણાવ્યું હતું.
કલેક્ટરે પ્રવાસન-સ્થળોએ કાર્યરત હોટેલ અસોસિએશન, ટૅક્સી અસોસિએશન, રિક્ષા અસોસિએશન, ગાઇડ અને સ્વૈચ્છિક સંસ્થાઓને વિશ્વાસમાં લઈને સ્થાનિક કક્ષાએ બહારથી આવતા લોકોને કોઈ પરેશાની ન થાય એની સાથે આવી ઘટનાને કેવી રીતે રોકી શકાય છે એનો પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ પર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાનો પોલીસ પ્રશાસનને આદેશ આપવામાં આવ્યો છે.