ગોખલે બ્રિજ તોડ્યા પછી અંધેરીના રહેવાસીઓ માટે...પૉઝિટિવ સાઇડ ઇફેક્ટ

10 November, 2022 08:27 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પુુલ બંધ કરાયા બાદ એસ. વી. રોડ પર ટ્રાફિક-જૅમ ન થાય એ માટે ફેરિયાઓને હટાવાયા : એટલું જ નહીં, ફેરિયા પાછા આવી ન જાય એ માટે બીએમસીએ પોતાની સ્પેશ્યલ ટીમને સ્પૉટ પર તહેનાત કરી દીધી છે

બીએમસીના કર્મચારીઓએ ગઈ કાલે અંધેરી-વેસ્ટમાં એસ. વી. રોડ પરના ફેરિયાઓને હટાવી દીધા હતા. (તસવીર : પ્રદીપ ધિવાર)

અંધેરી ઈસ્ટ–વેસ્ટને જોડતો ગોખલે બ્રિજ બંધ કરાયા બાદ અંધેરીના આંબોલી સબવે અને વિલે પાર્લેના બિસ્કિટ ફૅક્ટરીવાળા બ્રિજથી મોટા ભાગનો ટ્રાફિક ડાઇવર્ટ થઈ રહ્યો છે. એથી અંધેરી-વેસ્ટમાં એસી. વી. રોડ પર સખત લોડ વધી ગયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાં વાહનો સરળતાથી મૂવ થતાં રહે એ માટે બીએમસીને વિનંતી કરાઈ છે કે ત્યાંથી ફેરિયાઓને હટાવી લેવામાં આવે. બીએમસી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવાઈ છે અને હાલ તો ત્યાં ફેરિયાઓ ન બેસે એ માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીએમસીના કે-વેસ્ટ વૉર્ડના વોર્ડ ઑફિસર પૃથ્વીરાજ ચૌહાણે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોખલે બ્રિજ બંધ થવાથી એસ. વી. રોડ પર ટ્રાફિક વધ્યો છે એ વાત સાચી છે. અમે જે મુખ્ય ત્રણ સ્પૉટ છે એ ઇર્લા સિગ્નલ, અંધેરી સ્ટેશન સામેનું એસ. વી. રોડ પરનું સિગ્નલ અને જે. પી. રોડ–એસ. વી. રોડ જંક્શન પર બેસતા ફેરિયાઓને હટાવી દીધા છે. ફરીથી ફેરિયાઓ ત્યાં ન બેસે એ માટે અમે હાલ એ ત્રણ  સ્પૉટ પર અમારી સ્પેશયલ ટીમ તહેનાત કરી છે અને એક મૂવિંગ વેહિકલ સાથેની ટીમ છે જે અવારનવાર પૅટ્રોલિંગ કરતી રહે છે. એમ છતાં જો લોકોને એ વિસ્તારોમાં ફેરિયાઓ દેખાય તો અમને તેમના ફોટો મોકલી શકે છે. અમે તરત જ કાર્યવાહી કરીશું. બે વર્ષ સુધીમાં એ બ્રિજ બનીને તૈયાર થશે એવું જાણવા મળ્યું છે એટલે જ્યાં સુધી એ બ્રિજ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી અમારા દ્વારા આ ગોઠવણ ચાલુ રહેશે. એમાંના જે પણ લાઇસન્સવાળા અને સર્વેમાં પાત્ર ગણાયેલા ફેરિયાઓ છે તેમનું અન્ય સ્થળે સ્થળાંતર કરવાનું અમે વિચારી રહ્યા છીએ.’    

mumbai mumbai news andheri mumbai traffic brihanmumbai municipal corporation bakulesh trivedi