11 April, 2023 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન
બીએમસીએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)ને સમુદ્રની નજીક બાંધકામ કરવાના નિયમમાં ફેરફાર કરવાથી મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી (એમસીઝેડએમએ)એ લેજન્ડ ક્રિકેટર સચિન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન, ગૌતમ અદાણીના વેવાઈ સહિતના બંગલાઓમાં વધારાનું બાંધકામ કરવાની પરવાનગી આપી છે. જોકે બીએમસીના ૨૦૧૯ના સીઆરઝેડના નિયમોમાં ફેરફાર કરવાના નોટિફિકેશનને નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માં પડકારવામાં આવ્યું છે.
મુંબઈમાં સમુદ્રકિનારાની નજીક આવેલાં બાંધકામોના નિયમોમાં ફેરફાર કરવા માટેનું નોટિફિકેશન ૨૦૧૯માં જારી કરવામાં આવ્યું હતું. આ નોટિફિકેશનને આધારે ક્રિકેટર સચિન તેન્ડુલકર, અભિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વેવાઈ સિરિલ શ્રોફ સહિતના કેટલાક મહાનુભાવોએ તેમના સમુદ્રકિનારા નજીક આવેલાં મકાનોમાં વધારાનું બાંધકામ કરવા માટેની અરજી કરી હતી, જે એમસીઝેડએમએેએ મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે.
ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરનો બાંદરાના કાર્ટર રોડ નજીકના પેરી ક્રૉસ રોડ પર બંગલો છે, જે સીઆરઝેડ-ટૂમાં આવે છે. આ બંગલામાં અત્યારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળ અને અડધો ચોથો માળ છે, જેનો ઉપયોગ રહેવા માટે કરવામાં આવી રહ્યો છે. વધારાનું બાંધકામ કરવાની પરવાનગી મળી જવાથી હવે સચિન તેન્ડુલકર પાંચમા માળ સુધીનું બાંધકામ કરી શકશે.
આવી જ રીતે વિલે પાર્લેની કપોળ સોસાયટીમાં આવેલા અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલામાં વધારાનું બાંધકામ કરવા માટેની અરજી જયા બચ્ચને કરી હતી, જે મંજૂર થતાં હવે આ બંગલામાં બીજા માળનું બાંધકામ કરી શકાશે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વેવાઈ અને સિરિલ અમરચંદ મંગલદાસ લૉ ફર્મના મૅનેજિંગ પાર્ટનર સિરિલ શ્રોફનો રૂપમ નામનો બંગલો વરલી સીફેસ પર આવ્યો છે. સીઆરઝેડના નિયમમાં કરવામાં આવેલા ફેરફારથી સિરિલ શ્રોફ હવે તેમના ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફ્લોરના બંગલામાં વધુ એક ફ્લોરનું બાંધકામ કરી શકશે. તેમણે અત્યારના બિલ્ડિંગની પાછળના ભાગમાં વધુ એક બિલ્ડિંગ બાંધવાની પરવાનગી પણ માગી હોવાનું જાણવા મળ્યું હતું.
સીઆરઝેડના નિયમોમાં છૂટ આપવાના અનેક નિર્ણયમાં નૉન-ડેવલપમેન્ટ ઝોનમાં સમુદ્રકિનારાથી ૫૦ મીટરના અંતરને ૨૦૦ મીટર કરવામાં આવ્યો છે અને નદીકિનારાથી ૫૦ મીટરના અંતરને બદલે ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
૨૦૧૯ના આ નોટિફિકેશનને એનજીટીમાં પડકારવામાં આવ્યું છે. એનજીટીએ આ સંબંધિત અરજી સ્વીકારી છે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પાસેથી આ સંબંધે જવાબ માગ્યો છે.