ફિલ્મી સ્ટાઇલમાં એક કલાક સુધી પચીસ કિલોમીટર કારનો પીછો કરીને પોલીસે ૨૮ કિલો ગાંજો પકડ્યો

09 January, 2025 12:22 PM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

નાશિકમાં મધરાત બાદ બે વાગ્યે શરૂ થયેલી આ ચેઝમાં પોલીસની આઠ મોબાઇલ વૅન સામેલ થઈ હતી : નવી મુંબઈ આવી રહેલો આ ગાંજો કોને સપ્લાય કરવાનો હતો એની પોલીસે શરૂ કરી તપાસ

પચીસ કિલોમીટર પીછો કર્યા બાદ પોલીસે ર્નિજન સ્થળે લાલ કારને આંતરીને આરોપી આકાશ ડોળસને ૨૮ કિલો ગાંજા સાથે પકડ્યો હતો

મંગળવારે મધરાત બાદ બે વાગ્યે એક દિલધડક ચેઝમાં નાશિક પોલીસે ૨૮ કિલો ગાંજો લઈને નવી મુંબઈ આવી રહેલી કારને આંતરીને આરોપીઓને પકડ્યા હતા. હિન્દી ફિલ્મોની જેમ એક કલાક ચાલેલી આ ચેઝ નાશિકની આડગાવ ચેકપોસ્ટથી શરૂ થઈ હતી જેમાં આઠ કન્ટ્રોલ-રૂમની મોબાઇલ વૅન સામેલ થઈ હતી.

નાશિક પોલીસે રાતના સમયે ‘સ્ટૉપ ઍન્ડ સર્ચ’ અભિયાન શરૂ કર્યું હોવાથી એ અંતર્ગત આડગાવ પોલીસની હદમાં એક ચેકપોસ્ટ પર લાલ કાર ઊભી રહેવાને બદલે બૅરિકેડ્સ તોડીને ભાગી હોવાથી ત્યાં હાજર હવાલદાર ભાઉરાવ ગાંગુર્ડે અને અમલદાર બાલકૃષ્ણ પવારે આ કારનો પીછો શરૂ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે આની માહિતી કન્ટ્રોલ રૂમને આપતાં આઠ પોલીસ-સ્ટેશનની મોબાઇલ વૅન એમાં જોડાઈ હતી. પચીસ કિલોમીટરની આ ચેઝ દરમ્યાન

વચ્ચે-વચ્ચે ગિરદીવાળો વિસ્તાર આવતો હોવાથી પોલીસે આ રેડ કારને નિર્જન સ્થળે જવાની ફરજ પાડી હતી અને ત્યાં એને ઘેરી લીધી હતી. જોકે એક કલાક સુધી પીછો કરવામાં કારમાંથી ચાર આરોપીઓ ક્યાંક ઊતરીને ભાગી ગયા હતા. પોલીસના હાથમાં કારનો પનવેલમાં રહેતો ડ્રાઇવર આકાશ ડોળસ આવ્યો હતો. નાશિક પોલીસે ગાંજાની સાથે ૧૫ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી હતી. ધુળેથી આવી રહેલી આ કાર મુંબઈમાં રજિસ્ટર હોવાથી પોલીસ એના માલિકનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. આ સિવાય બીજા ચાર આરોપીઓને શોધવા માટે નાશિક પોલીસની એક ટીમ નવી મુંબઈ અને મુંબઈમાં આવી છે. આ ગાંજો ક્યાં સપ્લાય કરવાનો હતો એની પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ દિલધડક ચેઝ બદલ નાશિકના કમિશનર સંદીપ કર્ણિકે હવાલદાર ભાઉરાવ ગાંગુર્ડે અને અમલદાર બાલકૃષ્ણ પવારને અપ્રિશિએશન સર્ટિફિકેટ અને રોકડ રકમ ઇનામમાં આપ્યાં હતાં.

mumbai news mumbai nashik mumbai police Crime News