19 October, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ અને ઝીશાન સિદ્દીકી (ફાઇલ તસવીર)
બાબા સિદ્દીકીની હત્યા થયા બાદ ગઈ કાલે તેમના દીકરા ઝીશાન સિદ્દીકીએ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા પર બેઠક કરી હતી. એ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા જેમાં તેમણે એક મહત્ત્વનો મુદ્દો રજૂ કર્યો હતો કે જ્યારે તેના પિતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ થયું ત્યારે તેમની સાથેના પોલીસ-પ્રોટેક્શનમાં રહેલા કૉન્સ્ટેબલે કેમ તરત કોઈ પ્રતિક્રિયા નહોતી આપી અને કોઈ ઍક્શન ન લીધી. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે એ વખતે કૉન્સ્ટેબલે શું રીઍક્ટ કર્યું એ બાબતની ઇન્ટર્નલ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ઝીશાને હવે રાજકીય ફલક પર પણ તેના પિતાની હત્યા બાદ કોઈ મોટી માગણી કરી છે. જોકે એ શું છે એના વિશે અત્યારે કોઈ સ્પષ્ટતા કરી નથી.
બાબા સિદ્દીકી મર્ડરકેસમાં પનવેલ અને કર્જતમાંથી બીજા પાંચ આરોપી ઝડપાયા, ટોટલ ૯ થયા
બાબા સિદ્દીકીની શનિવારે કરાયેલી હત્યા બાદ કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે પનવેલ અને કર્જતમાંથી કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. આ લોકો લૉરેન્સ ગૅન્ગ સાથે સંપર્કમાં હતા એવું તપાસમાં જણાયું છે. આમ બાબા સિદ્દીકી મર્ડરકેસમાં હવે પકડાયેલા આરોપીઓની સંખ્યા ૯ પર પહોંચી છે. ડોમ્બિવલીના ૩૨ વર્ષના રીઢા ગુનેગાર નીતિન સપ્રે સહિત અંબરનાથના ૪૪ વર્ષના સંભાજી પારધી, ૩૭ વર્ષના પ્રદીપ દત્તુ ઠોંબરે, ૨૭ વર્ષના ચેતન દિલીપ પારધી અને પનવેલથી ૪૩ વર્ષના રામ ફૂલચંદ કનોજિયાને ઝડપી લેવામાં આવ્યા છે. બાબા સિદ્દીકીની હત્યાના આરોપીઓને તેમણે હથિયાર પૂરાં પાડ્યાં અને તેમને માટે રહેવાની વ્યવસ્થા કરી આપી હોવાનો તેમના પર આરોપ છે. નીતિન આ કેસના આરોપી શુભમ લોણકરના સંપર્કમાં હતો અને પછી ઝીશાન અખ્તરના સંપર્કમાં આવ્યો હતો. તેમણે આરોપીઓ સુધી ત્રણ ગન પહોંચાડી હતી. શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા અને ધર્મરાજ કશ્યપ બન્નેએ નીતિન સાથે ઑગસ્ટમાં કર્જતના એક ઝૂંપડામાં રાત વિતાવી હતી. હત્યારાઓને નીતિને પૈસા પણ પૂરા પાડ્યા હતા. હત્યામાં વપરાયેલી ત્રણ ગન ઉત્તર ભારતથી મગાવવામાં આવી હોવાનું અત્યાર સુધીની તપાસમાં જણાયું છે.