21 February, 2024 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે અને મનોજ જરાંગે પાટિલ
રાજ્ય સરકારે બોલાવેલા એક દિવસના વિશેષ અધિવેશનમાં ગઈ કાલે વિધાનસભા અને વિધાન પરિષદમાં મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપવાના બિલને મંજૂરી આપ્યા બાદ હવે એ ટકી શકશે કે નહીં એને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. એક બાજુ રાજ્યના મુખ્ય પ્રધાન કહે છે કે અમે બધી બાબતોનું ધ્યાન રાખીને આરક્ષણ આપ્યું છે, જ્યારે બીજી બાજુ મરાઠાઓને આરક્ષણ મળે એ માટે લડત ચલાવી રહેલા મનોજ જરાંગે પાટીલનું કહેવું છે કે કોર્ટમાં આ આરક્ષણ નહીં ટકી શકે. તેમણે આગામી લડતની રણનીતિ આજે જાહેર કરવાની જાહેરાત પણ કરી નાખી છે.
સૌથી મહત્ત્વનો પૉઇન્ટ છે ઇમ્પીરિકલ ડેટા, જે સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એમાં સાડાચાર લાખ કર્મચારીઓ દ્વારા અઢી કરોડ લોકોની સૅમ્પલ નહીં પણ સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી છે. ભારતના બંધારણની કલમ ૧૪ અંતર્ગત કેટલાંક પ્રકરણોમાં પચાસ ટકાથી વધુ આરક્ષણ આપવાની જોગવાઈ છે. એને આધાર બનાવીને રાજ્ય સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે.