આઝાદીનાં ૬૬ વર્ષ બાદ લાઇટ આવેલી હવે ૭૭ વર્ષ બાદ રસ્તો મળશે

28 September, 2024 05:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે આ બાબતે પત્રવ્યવહાર અને ડૉક્યુમેન્ટેશન કરીને તમામ અડચણો દૂર કરી દીધી છે

ખોપરા ગામ સુધી પહોંચવા બે કિલોમીટરનો રોડ બનાવવામાં આવશે.

આઝાદીનાં ૭૭ વર્ષ બાદ મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેડ ઑફિસથી માત્ર સાડાચાર કિલોમીટર દૂર આવેલા ખોપરા ગામ સુધી પહોંચવા માટે રસ્તો બનશે. આ ગામના રહેવાસીઓ છેલ્લાં કેટલાંય વર્ષોથી રોડ માટે પ્રશાસનની પાછળ પડ્યા હતા, પણ કોઈ ને કોઈ કારણસર આ કામ અટકી જતું હતું. બીજી નવાઈની વાત એ છે કે ગામમાં લાઇટ પણ આઝાદીનાં ૬૬ વર્ષ બાદ ૨૦૧૪માં જ આવી હતી.

૬૦ પરિવારોવાળા આ ગામમાં રહેતા શ્રેયસ સાવંતે રાજ્ય સરકાર સાથે સતત ફૉલોઅપ કર્યા બાદ આખરે ૨૫ સપ્ટેમ્બરે અહીં રોડ બનાવવાને આડે આવતાં વિઘ્નો દૂર થયાં હતાં. ચોમાસામાં અને મેડિકલ ઇમર્જન્સીમાં આ ગામમાં રહેતા ૨૭૫ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. બે કિલોમીટર સુધી દરદીને ઉપાડીને લઈ ગયા બાદ રોડ પરથી ઍમ્બ્યુલન્સ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ મળે છે. ગામવાળાઓના સતત પ્રયાસ બાદ ૨૦૧૮માં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનની જનરલ બૉડીએ રોડ બનાવવા માટે રેઝોલ્યુશન પાસ કરીને એને રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને મંજૂરી માટે મોકલી આપ્યું હતું, પણ રોડ જે રસ્તે બનવાનો છે એ જમીનના અમુક ભાગ પર મીઠાના અગર હોવાથી એની માલિકી કેન્દ્ર સરકારની હોવાથી આખો મામલો અટકી ગયો હતો. જોકે રાજ્ય સરકારે આ બાબતે પત્રવ્યવહાર અને ડૉક્યુમેન્ટેશન કરીને તમામ અડચણો દૂર કરી દીધી છે. ગામવાળાઓ હવે તેમનો આ રોડ ક્યારે બને છે એની રાહ જોઈને બેઠા છે.

mumbai news mumbai mira bhayandar municipal corporation mumbai traffic maharashtra news