07 February, 2023 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૧૨ વર્ષ પહેલાં ૭૨ વર્ષના એક પારસી ગૃહસ્થને બે કૂતરા કરડવાની ઘટનામાં કોર્ટે કૂતરાના માલિકને ત્રણ મહિનાની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું હતું. માલિક તેમની પાસેના કૂતરા આક્રમક હોવાનું જાણતા હોવા છતાં તેમણે પાડોશમાં રહેતા સંબંધી પર કૂતરા છોડવાની ઘટનાને કોર્ટે ગંભીરતાથી લીધી હતી અને આ સજા સંભળાવી હતી. આ સજા ગિરગામની કોર્ટના મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ એન. એ. પટેલે કરી હતી.
નેપિયન સી રોડમાં મે ૨૦૧૦માં ૭૨ વર્ષના ફરિયાદી કેરસી ઈરાનીએ દાવો કર્યો હતો કે તેમની પાડોશમાં રહેતા ૪૪ વર્ષના સંબંધી હોરમસજી સાથે મિલકત બાબતે કોઈ વિવાદ ચાલતો હતો ત્યારે હોરમસજીએ તેમની કારમાં રાખેલા બે આક્રમક ડૉગને પોતાની તરફ છોડ્યા હતા. કારનો દરવાજો ખૂલવાની સાથે જ કૂતરા ફરિયાદી કેરસી ઈરાની તરફ દોડી ગયા હતા અને તેમને ત્રણ જગ્યાએ બચકાં ભર્યાં હતાં. કેરસી ઈરાનીએ આ સંબંધે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં હોરમસજી સામે આઇપીસીની કલમ ૨૮૯, ૩૩૭ લગાવીને ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ એની સુનાવણી ગિરગામ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ એન. એ. પટેલ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. મૅજિસ્ટ્રેટે શનિવારે ફેંસલો સંભળાવ્યો હતો, જેમાં આરોપી હોરમસજીને ત્રણ મહિનાની સાદી જેલની સજા ફટકારી હતી. ફરિયાદી પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીની માલિકીના કૂતરા ખૂબ જ આક્રમક સ્વભાવના છે એટલે તેમણે એના પર ધ્યાન આપવાની જરૂર હતી. ૭૨ વર્ષની વ્યક્તિ સામે આવા ડૉગ્સ ધસી જઈને કરડે એ ખૂબ ગંભીર બાબત છે. રોટવેઇલર પ્રજાતિના ડૉગ્સ ખૂબ જ તાકતવર હોય છે અને એ કચકચાવીને બચકું ભરે છે. એ કોઈની તરફ ધસી જાય અને કરડે તો સામેવાળી વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આ પણ વાંચો : Mumbai:પાલતૂ કૂતરાએ માલિકને મોકલ્યો જેલમાં, સાંતાક્રુઝનો આ કિસ્સો કરી દેશે સ્તબ્ધ
મૅજિસ્ટ્રેટે તેમના ચુકાદામાં નોંધ્યું હતું કે ‘આ બધી વાત આરોપી જાણતા હોવા છતાં તેમણે યોગ્ય ધ્યાન નહોતું આપ્યું એટલે તેમની સામે આઇપીસીની કલમ ૨૮૯ અંતર્ગત સજા થઈ શકે છે. આઇપીસીની કલમ ૩૩૭ મુજબ આરોપીનો ઇરાદો કોઈને હાનિ પહોંચાડવાનો નહોતો તેમ છતાં તેણે કૂતરાની આક્રમકતાની ગંભીરતાને ધ્યાનમાં નહોતી લીધી એટલે ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવે છે.