બે વર્ષ પહેલાં બે જણ સામે બળાત્કારની ફરિયાદ કરનારી યુવતીએ પાછી કરી આવી ફરિયાદ

25 January, 2025 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેની સામે ફરિયાદ કરી એ રિક્ષા-ડ્રાઇવરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારામાં રહેતી ૨૦ વર્ષની યુવતી રામ મંદિર રેલવે-સ્ટેશન પાસેથી બેહોશીની હાલતમાં મળી આવી હતી. તેને જ્યારે ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેના પર રિક્ષા-ડ્રાઇવરે બળાત્કાર કર્યો હતો. એથી વનરાઈ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધીને તપાસ કરી રિક્ષા-ડ્રાઇવર રાજ રતનને ઝડપી લીધો હતો. જોકે યુવતીનું સ્ટેટમેન્ટ લેતી વખતે તેના સ્ટેટમેન્ટમાં વિસંગતિઓ જણાઈ આવતાં ફરી ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી ત્યારે એમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

યુવતી અને રિક્ષા-ડ્રાઇવર એકબીજાંને ઓળખતાં હતાં અને તેઓ અર્નાળા ગયાં હતાં, પણ તેમની પાસે આઇડી પ્રૂફ ન હોવાથી લૉજમાં રૂમ મળી નહોતી. એથી તેમણે બીચ પર જ રાત વિતાવી હતી અને એ દરમ્યાન રિક્ષા-ડ્રાઇવરે તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ તે તેને વસઈ મૂકીને નીકળી ગયો હતો. યુવતીને લાગ્યું કે ઘરવાળા તેને વઢશે, મારશે એથી તેણે સર્જિકલ બ્લેડ અને કેટલાક નાના પથ્થર પોતાના પ્રાઇવેટ પાર્ટમાં ખોસી દીધાં હતાં. જોકે એ પછી તે રામ મંદિર આવી હતી, પણ ત્યાર બાદ તેને પ્રાઇવેટ પાર્ટમાં સખત દુખાવો થતાં તે બેહોશ થઈ ગઈ હતી.

તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેના પ્રાઇવેટ પાર્ટમાંથી સર્જિકલ બ્લેડ અને નાના પથ્થર કાઢ્યાં હતાં. શરૂઆતમાં યુવતીએ પોલીસને કહ્યું હતું કે તે અનાથ છે. જોકે પછીથી તેના પિતા જ હૉસ્પિટલ આવી પહોચતાં તેણે સ્ટેટમેન્ટ ફેરવી તોળ્યું હતું. તેના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે યુવતીએ ૨૦૨૩માં પણ બે જણ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હવે આ સંદર્ભે વધુ માહિતી મેળવી ખરેખર શું બન્યું હતું એની તપાસ ચલાવી રહી છે. પોલીસને આ યુવતીની માનસિક હાલત સ્થિર ન હોવાનું પણ લાગી રહ્યું છે.

nalasopara ram mandir sexual crime mumbai crime news mumbai crime news news mumbai police mumbai news