વીક-એન્ડમાં લોનાવલા જશો તો હોટેલમાં બેસી રહેવું પડશે

27 July, 2024 06:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારે વરસાદને પગલે સોમવાર રાત સુધી તમામ ટૂરિસ્ટ-પૉઇન્ટ‍્સ બંધ: ગઈ કાલે વૉટરફૉલ પર ગયેલા ૧૩ લોકો સામે પોલીસે કરી કાર્યવાહી

લોનાવલા

લોનાવલા વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે બધે પાણી ભરાઈ ગયાં છે. સહારા બ્રિજ, ભુશી ડૅમ, લાયન્સ પૉઇન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં, તમામ ધોધ ભારે પ્રવાહ સાથે વહી રહ્યા છે. આ સ્થળે કોઈ પણ પ્રકારની જાનહાનિ અને જોખમ ન થાય એ માટે સુરક્ષાનાં કારણોસર લોકોને આ તમામ વિસ્તારોમાં જવા પર સ્થાનિક ​જિલ્લા પ્રશાસન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુણે ગ્રામીણ અંતર્ગત આવતા લોનાવલા પોલીસ-સ્ટેશનના અધિકારીઓને દરેક વિસ્તારમાં ચેકપોસ્ટ પર ઊભા રાખવામાં આવ્યા છે જેઓ લોકો સામે કાર્યવાહી કરી રહ્યા છે.

માવળ અને મુળશી તાલુકાના ઉપવિભાગીય અધિકારીએ આપેલા આદેશ અનુસાર અમારા વિસ્તારના તમામ ધોધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમ જણાવતાં લોનાવલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સત્યસાંઈ કાર્તિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા અધિકારીઓ લોનાવલાની દરેક ચેકપોસ્ટ પર ઊભા રાખવામાં આવ્યા છે. એ સાથે ધોધ નજીક નાકાબંધી કરવામાં આવી છે. ગુરુવારે અને ગઈ કાલે અમે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૨૨૩ હેઠળ અમુક લોકો સામે કાર્યવાહી પણ કરી છે. લોકોને અમારી વિનંતી છે કે હાલમાં પડી રહેલા જોરદાર વરસાદ વચ્ચે સૂચનાઓનું પાલન કરે.’

શું છે આદેશ?
માવળ અને મૂળશી તાલુકાના ઉપવિભાગીય અધિકારી સુરેન્દ્ર નવલેએ ગુરુવારે બહાર પાડેલા આદેશમાં તમામ ટૂરિસ્ટ-પૉઇન્ટ‍્સને પ્રવાસન-સ્થળોને સુરક્ષાનાં કારણોસર ૨૫ જુલાઈથી ૨૯ જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એનું પાલન કરાવવા માટે સ્થાનિક પોલીસ અને બીજા વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. આમ પણ લોનાવલામાં ભુશી ડૅમના ઉપરવાસમાં પાંચ જણ તણાઈ ગયા બાદ પ્રશાસને કડક નિયંત્રણો મૂકી દીધાં હતાં. 

હમણાં મહાબળેશ્વર અને પંચગની નહીં આવતા : મિનિસ્ટર

રાજ્યના બીજા પર્યટન સ્થળોની જેમ મહાબળેશ્વર અને પંચગનીમાં પણ હવે લોકો ચોમાસામાં જતા હોય છે. હાલમાં ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને જોતાં કોઈ દુર્ઘટના ન થાય એ માટે સાતારા જિલ્લાના પાલક પ્રધાન શંભુરાજ દેસાઈએ પ્રવાસીઓને આગામી થોડા દિવસો મહાબળેશ્વર અને પંચગનીનાં લોકપ્રિય પર્યટન-સ્થળોની મુલાકાત ન લેવાની સલાહ ગઈ કાલે આપી છે, કારણ કે હવામાન વિભાગે આ વિસ્તાર માટે રેડ અલર્ટ જાહેર કરી છે

mumbai news mumbai lonavala mahabaleshwar mumbai rains monsoon news mumbai monsoon