25 December, 2024 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીની આકૃતિ હૉસ્પિટલમાં નાયબ મુખ્ય પ્રધાનના સ્પેશ્યલ ઑફિસર મંગેશ ચિવટેએ ગઈ કાલે વિનોદ કાંબળીની મુલાકાત લીધી હતી.
ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીની તબિયત સારી ન હોવાથી તે અત્યારે ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં આવેલી આકૃતિ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. આર્થિક રીતે ભાંગી પડેલા વિનોદ કાંબળીને મદદની જરૂર છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કલ્યાણ લોકસભા બેઠકના સંસદસભ્ય પુત્ર શ્રીકાંત શિંદેએ પાંચ લાખ રૂપિયાની મદદ આપવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન વતી આ મદદ કરવામાં આવશે અને જરૂર પડશે તો વધુ રૂપિયા આપવાની ઑફર પણ કરી છે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી મંગેશ ચિવટેએ ગઈ કાલે આકૃતિ હૉસ્પિટલમાં જઈને સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડેડ બૅટ્સમૅન વિનોદ કાંબળીની મુલાકાત લીધી હતી અને હૉસ્પિટલના ડૉક્ટરો સાથે વિનોદ કાંબળીની તબિયત વિશે ચર્ચા કરી હતી. મંગેશ ચિવટેએ આ વિશે કહ્યું હતું કે ‘નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મને વિનોદ કાંબળીના ખબરઅંતર પૂછવાનું કહ્યું હતું આથી હું હૉસ્પિટલ આવ્યો છું. સંસદસભ્ય શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન તરફથી વિનોદ કાંબળીને વ્યક્તિગત રીતે પાંચ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આગામી સમયમાં વધુ મદદની જરૂર હશે તો પણ સહાય કરવાનું આશ્વાસન શ્રીકાંત શિંદેએ આપ્યું છે. વિનોદ કાંબળીએ મદદ જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને એકનાથ શિંદે તેમ જ શ્રીકાંત શિંદેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આથી ટૂંક સમયમાં જ બન્ને નેતા હૉસ્પિટલમાં આવીને વિનોદ કાંબળીની મુલાકાત લેશે.’