દશેરા પછી આદિત્ય ઠાકરે વિદેશ ભાગી જશે

22 October, 2023 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુના મામલામાં ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતા નીતેશ રાણેએ વ્યક્ત કરતાં કહ્યું

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની મૅનેજર દિશા સાલિયન


મુંબઈ ઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ મામલાની તપાસ કરવા માટેની અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. શિવસેનાના વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ આ અરજી બાદ કોર્ટમાં કેવીએટ દાખલ કરી છે. આ વિશે બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ ગઈ કાલે કહ્યું હતું કે દશેરા બાદ આદિત્ય ઠાકરે વિદેશ ભાગી જશે. 

બીજેપીના કણકવલીના વિધાનસભ્ય નીતેશ રાણેએ ગઈ કાલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ પ્રકરણમાં જે ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે એને જોતાં લાગી રહ્યું છે કે આદિત્ય ઠાકરે દશેરા બાદ વિદેશમાં ભાગી જશે. ટૂંક સમયમાં જ આ કેસ ફરી ખૂલશે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત થશે. પોતાની ગમે ત્યારે ધરપકડ થશે એવા ડરથી આદિત્ય ઠાકરે પલાયન થઈ જવાની શક્યતા છે.’
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે નાક ઘસીને માફી માગવી જોઈએ

રાજ્યમાં કૉન્ટ્રેક્ટ સિસ્ટમથી ભરતી કરવાનો આરોપ કરનારા મહાવિકાસ આઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે નાક ઘસીને માફી માગવી જોઈએ એવી માગણી કરતાં બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યના લાખો યુવકોને રોજગાર બાબતે ગેરમાર્ગે દોરવાનું કામ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે કર્યું છે. અત્યારની સરકાર નહીં, પણ મહાવિકાસ આઘાડીની સરકારના સમયે કૉન્ટ્રેક્ટ સિસ્ટમથી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મહાપાપ તેમણે કર્યું હતું એટલે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, નાના પટોલે સહિતના નેતાઓએ માફી માગવી જોઈએ. અગાઉની સરકારના નિર્ણયને અત્યારની મહાયુતિ સરકારે રદ કર્યો છે એટલે સરકારનું અભિનંદન કરવું જોઈએ એને બદલે વિરોધી પક્ષના નેતાઓ આ સિસ્ટમ સરકારે લાગુ કરી હોવાનો આરોપ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.’
ઉદ્ધવ ઠાકરે અને સંજય પાંડે વચ્ચે ડીલ થઈ છે?

મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર સંજય પાંડેએ ગઈ કાલે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરે સાથે દોઢ કલાક મુલાકાત કરી હતી. તેમની વચ્ચે શું ચર્ચા કરવામાં આવી હતી એ જાણી નથી શકાયું, પણ એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે ગઈ કાલે મોટો દાવો કર્યો હતો. સંજય શિરસાટે કહ્યું હતું કે ‘સંજય પાંડે ગૅન્ગસ્ટર છે. મહાવિકાસ આઘાડીની સરકાર વખતે તેમણે કરેલી ગરબડ આપણે જોઈ હતી. તેઓ માતોશ્રી ગયા હતા એટલે મહાવિકાસ આઘાડી સરકાર વખતે કરવામાં આવેલા પાપ ઉઘાડા ન પાડે એ માટે ઉદ્ધવ ઠાકરેએ તેમને લોકસભાની ટિકિટની ઑફર આપી હોઈ શકે છે. તેમની વચ્ચે આ મોટી ડીલ થઈ હોવાની શક્યતા છે. આની તપાસ થવી જોઈએ. 
વિનાયક મેટેના ભત્રીજાએ આત્મહત્યા કરી

ગયા વર્ષે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામનારા શિવસંગ્રામ સંગઠનના નેતા વિનાયક મેટેના ભત્રીજા સચિને તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીડ જિલ્લાના કેજ તાલુકાના રાજેગાવ ખાતેના ઘરે તેણે જીવન ટૂંકાવ્યું હતું. સચિન મેટેએ આ પગલું શા માટે ભર્યું છે એ જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.

mumbai news aaditya thackeray sushant singh rajput nitesh rane