12 December, 2024 07:03 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
અદિતિ તટકરે
મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની પુણેમાં ૧૨,૦૦૦ અરજીઓ પેન્ડિંગ હોવાથી એ મંજૂર કરવા પહેલાં એની સ્ક્રુટિની કરવામાં આવી હતી. એમાં ૧૦,૦૦૦ અરજીઓ આ યોજનાનો લાભ મેળવવા માટેનો જે ક્રાઇટેરિયા છે એમાં બંધબેસતી ન હોવાથી રદ કરવામાં આવી હતી. જોકે આને પગલે સોશ્યલ મીડિયામાં જબરદસ્ત અપપ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે કે લાડકી બહિણ યોજનામાં બધાની યોગ્યતા પાછી તપાસવામાં આવે છે અને જે બહેનો ક્રાઇટેરિયામાં બેસતી ન હોય તે બધાનાં નામ કાઢી નાખવામાં આવે છે.
વિરોધ પક્ષના નેતાઓએ પુણેનો દાખલો આપીને સરકારની નિંદા કરવાનું શરૂ કરી દીધું હતું. આને લીધે રાજ્યનાં મહિલા અને બાળવિકાસ ખાતાનાં ભૂતપૂર્વ પ્રધાન અદિતિ તટકરેએ સ્પષ્ટતા કરવી પડી હતી કે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાના ક્રાઇટેરિયામાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો અને સરકાર જે લોકોની ફરિયાદ મળશે તેમની જ તપાસ કરવાની છે. બાકી કોઈ પણ અરજીની સ્ક્રુટિની કરવામાં નહીં આવે.’