midday

મલાડમાં રહેતી ઍક્ટ્રેસના ઘરમાંથી સોનાની ચાર બંગડી ચોરાઈ

21 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડના એવરશાઇન નગરમાં ન્યુ આશીર્વાદ સોસાયટીમાં રહેતી ૪૭ વર્ષની અભિનેત્રી કરુણા વર્માના ઘરમાંથી નવથી ૧૭ માર્ચ વચ્ચે ઘરના લૉકરમાં રાખેલી સોનાની ચાર બંગડી ચોરાઈ હોવાની ફરિયાદ બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
એક્ટ્રેસ કરુણા વર્મા

એક્ટ્રેસ કરુણા વર્મા

મલાડના એવરશાઇન નગરમાં ન્યુ આશીર્વાદ સોસાયટીમાં રહેતી ૪૭ વર્ષની અભિનેત્રી કરુણા વર્માના ઘરમાંથી નવથી ૧૭ માર્ચ વચ્ચે ઘરના લૉકરમાં રાખેલી સોનાની ચાર બંગડી ચોરાઈ હોવાની ફરિયાદ બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી છે. કરુણાને માતા-પિતાનાં લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આ બંગડીઓ ભેટ મળી હતી. ફરિયાદમાં અભિનેત્રીએ તેના ઘરમાં કામ કરતી હાઉસ-હેલ્પ પર શંકા વ્યક્ત કરી છે. આ મામલે પોલીસે નોટિસ આપી હાઉસ-હેલ્પની તપાસ માટે પોલીસ-સ્ટેશનમાં હાજર રહેવા કહ્યું છે.

જ્યારે અભિનેત્રી શૂટિંગ માટે બહાર જતી ત્યારે હાઉસ-હેલ્પ ઘરે એકલી રહેતી. એ સમયે તેણે ચોરીને અંજામ આપ્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે એમ જણાવતાં બાંગુરનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અભિનેત્રી શૂટિંગ માટે અવારનવાર બહાર રહેતી હોવાથી ઘરનાં કામો માટે આશરે એક મહિના પહેલાં તેણે એક હાઉસ-હેલ્પને નોકરી પર રાખી હતી જે અભિનેત્રીની ગેરહાજરીમાં ઘરે આવી સાફસફાઈ સાથે બીજાં કામો કરતી હતી. નવમી માર્ચે અભિનેત્રી શૂટિંગ માટે ઘરમાંથી નીકળી રહી હતી એ સમયે તેણે ઘરના લૉકરમાં માતા-પિતાનાં લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ૨૦૧૫માં તેને ભેટ મળેલી સોનાની ચાર બંગડી જોઈ હતી. ૧૫ માર્ચે મુંબઈ પાછી આવ્યા બાદ ૧૭ માર્ચે તેણે લૉકર ખોલ્યું ત્યારે એ બંગડીઓ ત્યાં નહોતી. આખા ઘરમાં શોધ કર્યા બાદ પણ બંગડીઓ ન મળતાં ઘટનાની ફરિયાદ તેણે અમારી પાસે નોંધાવી હતી. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. હાઉસ-હેલ્પ સામે કરેલા આરોપમાં કેટલી સચ્ચાઈ છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’ 

mumbai news Crime News mumbai crime news mumbai malad television news indian television entertainment news