ઍક્ટર એજાઝ ખાન શું વટાણા વેરે છે એના પર બૉલીવુડની નજર

01 April, 2021 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાદાબની પૂછપરછમાં એજાઝનું નામ બહાર આવ્યું હતું

ફાઇલ તસવીર

બૉલીવુડ ડ્રગકેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગઈ કાલે એક્ટર એજાઝ ખાનની ધરપકડ કરી હતી. ગયા અઠવાડિયે એનસીબીએ મુંબઈના મોટા ડ્રગ-સપ્લાયર ફારુખ શેખ ઉર્ફે ફારુખ બટાટાના પુત્ર શાદાબ શેખ ઉર્ફે શાદાબ બટાટાની ધરપકડ કરી હતી. શાદાબની પૂછપરછમાં એજાઝનું નામ બહાર આવ્યું હતું.

શાદાબે કહ્યું હતું કે એજાઝ તેની પાસેથી ઘણી વાર ડ્રગ લઈ જતો હતો, પણ એ પોતાના વપરાશ માટે લઈ જતો હતો કે વેચવા લઈ જતો હતો એની જાણ નથી. એજાઝ છેલ્લાં ત્રણ વર્ષથી શાદાબના સંપર્કમાં હતો. શાદાબને આજે કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યો હતો. એનસીબીએ એ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘શાદાબ બટાટા અને એજાઝ એકબીજાના સંપર્કમાં હતા અને એ બાબતના ડિજિટલ પુરાવા મળી આવ્યા હતા જેમાં તે બન્ને ડ્રગકેસમાં સામેલ હોવાનું જણાઈ આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે શાદાબ અને એજાઝને સામસામે બેસાડી પૂછપરછ કરવામાં આવશે.’

એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે ‘અમને શંકા હતી કે એજાઝે તેની અને શાદાબ વચ્ચે થયેલી વાૅટ્સઍપ પરની વાતચીતના મેસેજ ડિલિટ કરી નાખ્યા હોય. એથી એનસીબી તેનો મોબાઇલ ફૉરેન્સિક તપાસ માટે મોકલશે.’

ગઈ કાલે  તેને કોર્ટમાં હાજર કરતા ૩ એપ્રિલ સુધીની કસ્ટડી આપવામાં આવી હતી.

mumbai mumbai news ajaz khan