02 April, 2025 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંજલિ દમણિયા, ધનંજય મુંડે અને પંકજા મુંડે
સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે દાવો કર્યો હતો કે થોડાં વર્ષ પહેલાં પંકજા મુંડેની વિરુદ્ધના પુરાવાની ફાઇલ લઈને ધનંજય મુંડે તેમના સહયોગી રાજેન્દ્ર ધનવટેની સાથે મારા ઘરે આવ્યા હતા. પંકજા મુંડેની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ધનંજય મુંડેના સહયોગી રાજેન્દ્ર ધનવટેએ આ પુરાવા એકત્રિત કર્યા હતા. અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘ધનંજય મુંડેએ બહેન પંકજાની ‘સુપારી’ આપી હતી. મેં પુરાવાની ફાઇલ મારા ઘરે લઈને આવનારા ધનંજય મુંડે અને રાજેન્દ્ર ધનવટેને કહ્યું હતું કે હું આવું કામ નથી કરતી. આજેય આ ફાઇલ મારી પાસે છે. હવે ધનંજય અને પંકજા ભલે સાથે છે, પણ ભૂતકાળમાં પંકજાની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.’
જોકે આ વાત ક્યારની છે અને પોતાની પાસે પંકજા મુંડે સામેના કેવા પુરાવાની ફાઇલ આપવામાં આવી હતી એ વિશે અંજલિ દમણિયાએ કોઈ સ્પષ્ટતા નથી કરી. બીજું, અત્યારે ધનંજય અને પંકજા સાથે છે ત્યારે અંજલિએ શા માટે આ વાત ઉખેડી એને લઈને ચર્ચા થઈ રહી છે.