19 May, 2023 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો મુંબઈમાં પાણી ભરાશે તો બીએમસીના અધિકારીઓનું આવી બનશે
મુંબઈ ઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે જો આગામી ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાશે તો સુધરાઈના અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે.
બીએમસી દ્વારા ચોમાસાની તૈયારીરૂપે કરવામાં આવેલાં કામોનું નિરીક્ષણ કરતી વખતે તેમણે ઉપરોક્ત વાત કહી હતી.
શિંદેએ બીએમસી વહીવટી તંત્રને જળભરાવનાં સ્થળોએ ફુલપ્રૂફ સિસ્ટમની ખાતરી કરવા કહ્યું હતું, જેથી શહેરીજનોને રાહત મળે. તેમણે વધુમાં અધિકારીઓને શહેરનાં નાળાંની ઊંડે સુધી સફાઈ
કરવાનું જણાવીને કેટલા ટન કચરો
કાઢ્યો એના કરતાં કેટલી સફાઈ કરાઈ એના પર વિશેષ ભાર આપવાની સૂચના આપવા સાથે જ તૂટેલી ફુટપાથ રિપેર કરવા અને રસ્તાઓ સ્વચ્છ કરવા પણ જણાવ્યું હતું.
- તો યોજો તત્કાળ
બીએમસી ચૂંટણી
એનસીપીએ ગઈ કાલે કહ્યું હતું કે જો બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડાને ખાતરી હોય કે મુંબઈનો આગામી મેયર તેમના જ પક્ષનો વ્યક્તિ હશે તો તેમણે તત્કાળ સુધરાઈની ચૂંટણી યોજવી જોઈએ.
મહારાષ્ટ્ર રાજ્યની બેદિવસીય મુલાકાતના પહેલા દિવસે એટલે કે બુધવારે મુંબઈમાં યોજાયેલી મીટિંગમાં પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં તેમણે મુંબઈનો આગામી મેયર બીજેપીનો વ્યક્તિ હોય એ સુનિશ્ચિત કરવા સાથે મળીને પ્રયાસ કરવા હાકલ કરી હતી.
બીએમસીને વધુ સીટ મળશે : દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બીજેપી ચીફ જે. પી. નડ્ડાને ખાતરી આપી હતી કે ગઈ ચૂંટણીની તુલનાએ આવી રહેલી ચૂંટણીમાં વધુ સીટ પર જીત હાંસલ કરશે.
લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે ૨૦૨૪માં યોજાવાની શક્યતા છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાશે.
સરકારી બૅન્કો મોદી
સરકાર વેચી મારશે
શિવસેના (યુબીટી)એ નરેન્દ્ર મોદી સરકારની ખાનગીકરણની નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી હતી તથા તેમના પર લોકશાહી, વાણીસ્વાતંત્ર્ય, સામાજિક સદભાવ અને કાયદાના શાસનની લિલામી કરવાનો આક્ષેપ મૂક્યો હતો.
આ પૂરતું ન હોય એમ તેમની સરકાર કેટલીક સરકારી બૅન્કોનું પણ ખાનગીકરણ કરી રહી છે એવો દાવો તેમણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં કર્યો હતો.
બૅન્કોના ખાનગીકરણ માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું હોવાના મરાઠી દૈનિકના કેટલાક અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું હતું કે આ આખી પ્રક્રિયા પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને કેટલીક બૅન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે એ નક્કી છે.