06 July, 2023 09:55 AM IST | Mumbai | Priti Khuman Thakur
સતત બીજા દિવસે મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગેરકાયદે બાંધકામો, હોટેલો, ઢાબા, નાની ટપરીઓ તોડવાની કાર્યવાહી ચાલુ જ હતી.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ગેરકાયદે બાંધકામોને લીધે વરસાદના સમયે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. એને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા પણ થાય છે. એમાં આ વખતે તો પહેલા જ વરસાદમાં હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને લોકો પાંચ કલાકથી વધુ સમય માટે ટ્રાફિક-જૅમમાં ફસાઈ ગયા હતા. આવી પરિસ્થિતિની કલ્પના પહેલેથી જ હોવાથી લોકોની સાથે પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિતે પણ સતત બેઠક કરીને ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉપાડ્યો હતો. ત્યારે સંબંધિત વિભાગોએ આવાં બાંધકામોને નોટિસ ફટકારીને હાથ ઉપર કરી લીધા હતા. જોકે આ વખતના પહેલા જ વરસાદમાં હાઇવે જૅમ થઈ જતાં રાજેન્દ્ર ગાવિતે પોલીસ અને મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો લાવવા કહ્યું હતું અને એવું નહીં થાય તો એફઆઇઆર નોંધાવવામાં આવશે એવું કહ્યું હતું. એથી આ બેઠક બાદ પ્રશાસન સફાળું જાગ્યું હતું અને ફરી હાઇવે પર ગેરકાયદે બાંધકામો ધરાવતા લોકોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત ૪૦થી વધુ હોટેલો, ઢાબાઓ અને નાની ટપરીઓને તોડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ ગઈ કાલે પણ મહાનગરપાલિકાએ હાઇવેની બાજુમાં ગેરકાયદે ઊભી કરાયેલી હોટેલો અને ઢાબાઓ સામે કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકાની અતિક્રમણવિરોધી ટીમે સતત બીજા દિવસે કાર્યવાહી કરીને ૩૨,૦૦૦ ચોરસ ફુટનાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યાં હતા.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય છે. છેલ્લા કેટલાક સમયથી હાઇવેની બાજુમાં ગેરકાયદે રીતે માટી ભરીને હોટેલ, ઢાબા, દુકાનો અને નાની ટપરીઓ બાંધવામાં આવી હતી. આ વિશે ધ્યાન અપાયું ન હોવાથી દિવસે-દિવસે એમની સંખ્યા વધી ગઈ હતી. આ ગેરકાયદે બાંધકામોને કારણે હાઇવે પરનાં વરસાદી પાણીનાં નાળાં બ્લૉક થઈ ગયાં હોવાથી મોટા પ્રમાણમાં પાણી જમા થઈ જતાં ટ્રાફિક-વ્યવસ્થા ખોરવાવા લાગી હતી. પૂરની સ્થિતિ સર્જાતાં ગેરકાયદે બાંધકામો પર મહાનગરપાલિકાની અતિક્રમણવિરોધી ટીમે મંગળવારથી કાર્યવાહી શરૂ કરી હતી અને પ્રથમ દિવસે જ ૪૦ થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. ગઈ કાલે સતત બીજા દિવસે પણ મહાપાલિકાએ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરી હતી.
ગઈ કાલે ક્યાં કાર્યવાહી કરી?
ગઈ કાલે સસુનવઘર વિસ્તારમાં હોટેલ કાઠિયાવાડીથી રૉયલ ગાર્ડન રિસૉર્ટ સુધીના સાત ઢાબા, આઠ ટપરીઓ, ચાર બામ્બુના શેડ, બે પતરાના શેડ, ચાર જાહેરાતનાં બોર્ડ એમ કુલ ૩૨,૪૦૦ ચોરસ ફુટનાં ગેરકાયદે બાંધકામો તોડી પડાયાં હતા. આ કાર્યવાહી ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર રમેશ મનાળે અને ડેપ્યુટી કમિશનર ડૉ. કિશોર ગવાસના માર્ગદર્શન હેઠળ પ્રભાગ સમિતિ-જીના ઍડિશનલ કમિશનર મોહન સંખે, જુનિયર એન્જિનિયર કલ્પેશ કદવ, ગૌરવ પરિહાર અને તેમની અતિક્રમણવિરોધી ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ટ્રાફિક-જૅમથી લોકો કંટાળ્યા
હાઇવે પરથી દરરોજ પસાર થતા અને વસઈમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ ધરાવતા સમીર શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હમણાં જે કાર્યવાહી કરવામાં આવી એ વરસાદ પહેલાં પણ કરી શકાતી હતી. પહેલાં પણ આ લોકોને નોટિસ આપીને છોડી મુકાયા હતા. પ્રશાસનની લાપરવાહીને કારણે જ હાઇવે પર આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ થયું છે. વરસાદમાં પાણી ભરાતાં કારને કારખાનામાં ચારેક દિવસ છોડીને જવું પડ્યું હતું.’
હાઇવે જૅમ ન થાય એવા પ્રયાસો
પાલઘર જિલ્લાના સાંસદ રાજેન્દ્ર ગાવિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક-જૅમને કારણે સુરતથી વસઈ આવતાં અઢી કલાક લાગે છે અને વસઈથી ઘોડબંદર પહોંચતાં ચારથી પાંચ કલાક લાગે છે એ કેટલું યોગ્ય કહેવાય? થોડા દિવસ પહેલાં હું એક કાર્યક્રમ માટે જઈ રહ્યો હતો. મારી સાથે સ્ક્વૉડ હોવા છતાં હું ૪૦ મિનિટથી વધુ સમય ટ્રાફિક-જૅમમાં ફસાઈ ગયો હતો. એ વખતે મેં જોયું તો મારી બાજુમાં રહેલી એક કારમાં બેસેલાં ગુજરાતી વૃદ્ધ બા ટ્રાફિક-જૅમમાં અટવાતાં નૅચરલ કૉલ આવતાં ખુલ્લામાં બેસવા પર મજબૂર થયાં હતાં. ત્યાર બાદ મેં તમામ અધિકારીઓને ફોન કર્યા હતા. તાજેતરમાં લીધેલી બેઠકમાં મહાનગરપાલિકાથી લઈને પોલીસ વિભાગ, હાઇવે ઑથોરિટી તમામ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મેં ખૂબ આક્રમક રીતે નિર્દેશ આપ્યા હતા તેમ જ હાઇવે પર પાણી ભરાવાનું કારણ ગેરકાયદે બાંધકામો છે તો એને તોડતાં કેમ નથી એવો પ્રશ્ન કર્યો હતો. ત્યાર બાદ ખાડા પડવા બદલ હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટરે કૉન્ટ્રૅક્ટરને પત્ર મોકલ્યો હતો અને બીજી બાજુ સતત બીજા દિવસે તોડકામની કાર્યવાહી હાથ ધરાઈ હતી.’
હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ મૅનેજર સુમિતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વર્સોવા બ્રિજ પરના ખાડા ભરવામાં આવી રહ્યા છે. આસપાસના ભાગમાં પણ ખાડા ભરવાનું કામ ચાલુ જ છે.’