દેરાસરમાંથી ચોરી કરનારને પોલીસે ૧૨ કલાકમાં પકડી પાડ્યો

02 April, 2024 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરીમાં ભગવાનના એક કિલો ચાંદીના દાગીના લઈને ભાગી ગયેલો આરોપી નાગરદાસ રોડના સ્લમ વિસ્તારમાંથી પકડાયો

અંધેરીના એક દેરાસરમાંથી ભગવાનના દાગીનાની ચોરીનાં ફુટેજ.

અંધેરી-ઈસ્ટના પારસી પંચાયત રોડ પર આવેલા શ્રી સીમંધરસ્વામી જૈન દેરાસરમાંથી શનિવારે બપોરે ૧૨થી ૧ વાગ્યા વચ્ચે ભગવાનના એક કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. અંધેરી પોલીસે ચાંદીના દાગીના ચોરી જનારા ૪૧ વર્ષના શંકર હનુમંતા તમન્નાની ધરપકડ ચોરીની ફરિયાદના ૧૨ કલાકમાં જ કરી લીધી હતી. પોલીસે શંકર તમન્ના પાસેથી ૨૩૦ ગ્રામ ચાંદીના ટુકડા હસ્તગત કર્યા હતા.

આ મામલાની માહિતી આપતાં દેરાસરના ૬૩ વર્ષના ટ્રસ્ટી શશિકાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ માર્ચે બપોરે દેરાસરના પૂજારી અલ્પેશ પરમારે ભગવાનના ચાંદીના દાગીના ધોઈને દેરાસરના પાછળના ભાગમાં એક લાકડાના બાંકડા પર મૂક્યા હતા. અંદાજે એક વાગ્યે અલ્પેશ ભગવાનને આંગી કરવા માટે ચાંદીના દાગીના લેવા દેરાસરના પાછળના ભાગમાં ગયો ત્યારે ભગવાનની મૂર્તિના પેટ પર પહેરાવવામાં આવતું ચાંદીનું ખોળિયું અને માથાનો મુગટ ત્યાંથી ગાયબ હતાં. તેણે તરત આવીને મને જાણ કરી હતી. તરત જ મેં અને અમારા દેરાસરના બીજા ટ્રસ્ટીએ દેરાસરમાં લગાડવામાં આવેલાં CCTV (ક્લોઝ્‍‍ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં, જેમાં અમને ચહેરા પર માસ્ક પહેરેલો એક માણસ દેરાસરમાં આવેલો અને તે શર્ટ નીચે ભગવાનનાં આભૂષણ સંતાડીને લઈ જતો દેખાયો હતો. અમે તરત  એ ફુટેજ લઈ જઈને અંધેરી પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.’

અંધેરી પોલીસ-સ્ટેશનના સંતાજી ઘોરપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમારી ડિટેક્શન ટીમને કામે લગાડી હતી. તેમણે પ્રાઇવેટ અને સરકારી મળીને ૧૦૦થી ૧૫૦ CCTV કૅમેરા ચેક કર્યા હતા, જેમાં તેમણે ૪૧ વર્ષના શંકર હનુમંતા તમન્નાને અંધેરી સબવેમાંથી અંધેરી માર્કેટ તરફ જતો જોયો હતો, જ્યાં તેના માસ્ક વગરના ચહેરાનાં ફુટેજ મળી ગયાં હતાં. અમારા ખબરીઓએ તેને ઓળખી લીધો હતો. રવિવારે બપોરે ૧.૧૫ વાગ્યે શંકર તમન્ના નાગરદાસ રોડ પર પાર્ક કરેલી એક રિક્ષામાં બેઠો હતો ત્યારે અમે તેની ધરપકડ કરી હતી. શંકર પાસેથી ૨૩૪ ગ્રામ ચાંદીનો ટુકડો હસ્તગત કર્યો હતો. અમે બાકીની ચાંદી તેણે કોને ત્યાં વેચી એની અને તે બીજા કેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે એની તપાસ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai jain community religious places andheri mumbai crime news