11 February, 2023 08:34 AM IST | Mumbai | Mehul Jethva
આરોપી પ્રવીણ આશુભા જાડેજા ઉર્ફે પ્રવીણસિંહ ઉર્ફે પ્રદીપસિંહ આશુભા જાડેજા.
મુંબઈ : દાદર હિન્દમાતા માર્કેટમાં કપડાનો વ્યવસાય કરતા વેપારી પાસે ૧૫ વર્ષ પહેલાં કામ કરતા એક આરોપીએ ૪૦ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી જેની એ સમયે પોલીસે ધરપકડ કરી હતી. જો કે જામીન પર છૂટ્યા બાદ આરોપી મુંબઈ છોડી નાસી ગયો હતો એટલે કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો. આરોપીની માહિતી મળ્યા બાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. કચ્છના માંડવી વિસ્તારમાં રહેતા આરોપીને એલઆઇસી પૉલિસી મૅચ્યોર થઈ હોવાની લાલચ આપીને મુંબઈ બોલાવવામાં આવ્યો હતો અને દાદર રેલવે સ્ટેશન પર તેની ધરપકડ કરવામાં આવી હતી.
દાદરમાં આવેલા હિન્દમાતામાં કપડાનો વ્યવસાય કરતા મહેશ ગંગર પાસે ૨૦૦૭માં સેલ્સમૅન તરીકે કામ કરતા પ્રવીણ જાડેજાને દુકાનદારો પાસેથી પૈસા લેવા મોકલ્યો હતો. બે દુકાનદારો પાસેથી તેણે ૨૦-૨૦ હજાર એમ કુલ ૪૦ હજાર રૂપિયા લીધા હતા. આ રૂપિયા પોતાના મિત્રને આપી તેણે દુકાને આવી કહ્યું હતું કે જ્યારે એ બાથરૂમ ગયો ત્યારે એ પૈસાની ચોરી થઈ હતી. ત્યાર બાદ ઘટનાની ફરિયાદ આરએકે માર્ગ પોલીસ સ્ટેશને કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છેતરપિંડી કરનાર પ્રવીણની ધરપકડ કરી હતી અને પૈસા પણ રિકવર કર્યા હતા. કોર્ટમાં હાજર કરવામાં આવતાં કોર્ટે તેને જામીન આપ્યા હતા. એ બાદ પ્રવીણ કચ્છભેગો થઈ ગયો હતો એટલે કોર્ટે તેને ભાગેડું જાહેર કર્યો હતો.
આરએકે માર્ગ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ લામખડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીમાં આરોપી ગુજરાત ગયો હોવાનું અમને માલૂમ થયું હતું. આથી અમે ફરિયાદી પાસે ૨૦૦૭માં કામ કરતા માણસો પાસેથી આરોપીની વધુ માહિતી મેળવી હતી, જેમાં તે કચ્છમાં હોવાનું જણાયું હતું. કચ્છમાં અમે લોકલ ખબરીઓની મદદ લીધી હતી, જેમાં આરોપી માંડવી વિસ્તારમાં પ્રદીપસિંહ આશુભા જાડેજા તરીકે રહેતો હોવાનું માલૂમ થયું હતું. કોર્ટમાંથી અમને માલૂમ થયું હતું કે તેના બે દાંત સોનાના છે. એ પછી ફરી એક વાર અમે ખબરીઓ પાસેથી તેના દાંતસંબંધી માહિતીઓ કાઢી તેનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ અમે તેના નંબર પર ફોન કરી તેની એલઆઇસી પૉલિસી પાકી ગઈ હોવાનું કહ્યું હતું, એની લાલચમાં આવી તેણે અમને સામેથી એક-બે વાર ફોન કર્યો હતો. ચેક લેવાના બહાને તેને અમે મુંબઈ બોલાવ્યો હતો અને દાદર રેલવે સ્ટેશન પરથી તેની ધરપકડ કરી હતી. આરોપી એટલો ચાલાક હતો કે તેણે ધરપકડ થઈ એ સમયે પોતાનું નામ ખોટું લખાવ્યું હતું જેથી તેની ધરપકડ થઈ શકી નહોતી.’